મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાઉદીમાં હૂથીઓના હુમલાને પગલે ફ્લાઇટ રદ થતાં સુરેન્દ્રનગરના ચાર યાત્રીઓ મક્કામાં અટવાયા, વૈકલ્પિક રૂટથી ભારત પરત ફરવાનો પ્રયાસ

હૂથીઓના હુમલાને પગલે સાઉદી અરેબિયામાં ફ્લાઇટ કામગીરીમાં અવરોધ ઊભો થતાં સુરેન્દ્રનગરના ચાર યાત્રીઓ મક્કામાં અટવાઈ ગયા છે. ઉમરાહની યાત્રા પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરવાની તૈયારી કરી રહેલા આ યાત્રીઓને અમદાવાદ જતી ફ્લાઇટ રદ થતાં મક્કાની હોટેલમાં રોકાવાની ફરજ પડી છે. જોકે, યાત્રીઓએ તમામ લોકો સુરક્ષિત હોવાનું અને હાલ કોઈ મુશ્કેલી ન હોવાનું જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના હાજી બટુકભાઈ અને હાજી રહીમભાઈ સહિત ચાર યાત્રીઓ 17 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદથી ઇરાક જિયારત અને ઉમરાહ માટે રવાના થયા હતા. તેમની 12 ઓક્ટોબરે પરત ફરવાની યોજના હતી અને 13 ઓક્ટોબરે અમદાવાદ પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ફ્લાઇટ કામગીરીમાં અવરોધના કારણે તેમની વાપસીમાં વિલંબ થયો છે.

વૈકલ્પિક રૂટથી ભારત પરત ફરવાનો પ્રયાસ

યાત્રીઓને ભારત પરત લાવવા માટે વૈકલ્પિક મુસાફરીના માર્ગ અંગે વિચારણા ચાલી રહી છે. આ માટે મક્કાથી તાઇફ, ત્યારબાદ ઓમાનના મસ્કત થઈ મુંબઈ અને અંતે અમદાવાદ પહોંચવાનો રૂટ વિચારાધીન છે. જોકે, આ વૈકલ્પિક માર્ગ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બીજી તરફ, જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગરના ચારેય યાત્રીઓ ફ્લાઇટ સેવા ફરી ક્યારે શરૂ થશે અને તેઓ ક્યારે વતન પરત ફરી શકશે તેની રાહ જોઈ રહ્યા છે. યાત્રીઓની સુરક્ષાને લઈને હાલ કોઈ મુશ્કેલી ન હોવાનું જણાવાયું છે, પરંતુ તેમની વાપસીનો કાર્યક્રમ નક્કી ન થતાં પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો