મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર ભીષણ મિસાઈલ હુમલો

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર ભીષણ મિસાઈલ હુમલો

સાઉદી અરેબિયા અને યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક તબક્કામાં પહોંચી ગયો છે. મંગળવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વીય શહેર ધહરાન (Dhahran) માં આવેલી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની 'સાઉદી અરામકો' (Saudi Aramco) ના વહીવટી સંકુલ (Administrative Complex) ને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું છે.

ઓફિસ બિલ્ડિંગની ત્રણ માળને નુકસાન, આગ લાગી

સાઉદી સરકારી સમાચાર એજન્સી (SPA) અને ઊર્જા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઈલ હુમલા બાદ અરામકોના મુખ્ય ભવનમાં આગ ફાટી નીકળી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં કંપનીની ઓફિસ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, સત્તાવાર સૂત્રોના હવાલેથી રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અરામકોનું આ સંકુલ કંપનીના મુખ્ય ઓપરેશનલ હબ તરીકે કામ કરે છે. અરામકોના ઓઇલ કૂવા, પાઈપલાઈન, રિફાઇનરીઓ અને એક્સપોર્ટ ટર્મિનલ્સ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, જેના પર થયેલો આ હુમલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે.

રિયાદ અને દક્ષિણી વિસ્તારોમાં મિસાઈલ-ડ્રોન તોડી પાડ્યા

સાઉદી ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે ધહરાન ઉપર હુમલા માટે છોડવામાં આવેલી મિસાઈલના કેટલાક ટુકડા એક રેસિડેન્શિયલ વિસ્તારમાં પણ પડ્યા છે. આ ઉપરાંત, સત્તાવાળાઓએ રાજધાની રિયાદ અને દેશના દક્ષિણી ભાગોમાં પણ હુથીઓની અનેક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ રોકીને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.

આ અગાઉ શનિવારે રિયાદ એરપોર્ટ પર થયેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 13 લોકોનાં મોત થયા હતા, જેને છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

 

આ સમાચાર શેર કરો