વકીલ છે તો લાઇસન્સ કયા? ટ્રમ્પનાં નવા પ્રેસ સેક્રેટરીની ડિગ્રી પર સવાલ! 50 રાજ્યોમાં રેકોર્ડ ગાયબ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નવા પ્રેસ સેક્રેટરી કેટી જકારિયા (Katie Zacharia) પોતાની વ્યાવસાયિક લાયકાતને લઈને વિવાદમાં સપડાયાં છે. પોતાને વકીલ ગણાવતાં જકારિયા પાસે કાયદાની ડિગ્રી (Law Degree) હોવાની માહિતી સામે આવી છે, પરંતુ અમેરિકાના કોઈ પણ રાજ્યમાં તેમણે વકીલાતનું લાઇસન્સ મેળવ્યું હોવાનો રેકોર્ડ મળ્યો નથી. આ મામલે હવે તપાસની માગ ઊઠી છે.
ટ્રમ્પ સામે જ ઉઠ્યા સવાલ
મંગળવારે પ્રથમ વખત પ્રેસ સેક્રેટરી તરીકે મીડિયાની સામે આવેલાં જકારિયાને તેમના પ્રદર્શનને લઈને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પત્રકારોએ ટ્રમ્પને સવાલ કર્યો કે જકારિયાએ કયા રાજ્યમાં વકીલાતની પરીક્ષા પાસ કરી છે. ટ્રમ્પે જવાબ આપવાની જવાબદારી જકારિયાને સોંપી હતી. તેમણે 'જ્યારે હું ચીન ગઈ હતી...' એમ કહેવાનું શરૂ કર્યું, પરંતુ મરીન વન હેલિકોપ્ટરના અવાજને કારણે તેમનો જવાબ સ્પષ્ટ રીતે સંભળાયો નહોતો.
કાયદાની ડિગ્રી છે, પરંતુ લાઇસન્સનો પુરાવો નહીં
મળતી માહિતી અનુસાર, જકારિયાએ વર્ષ 2007માં પેપરડાઇન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2011માં પેપરડાઇન કારુસો સ્કૂલ ઑફ લૉમાંથી કાયદાની ડિગ્રી (Law Degree) મેળવી હતી. જોકે, કાયદાનો અભ્યાસ પૂર્ણ કરવો અને કોર્ટમાં વકીલાત કરવા માટેનું લાઇસન્સ મેળવવું અલગ બાબતો છે.
વ્હાઇટ હાઉસે બચાવ કરતાં જણાવ્યું કે જકારિયાએ જરૂરી લાયકાત સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો સંબંધિત કાયદાકીય ક્ષેત્રમાં કામ કર્યું છે. વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક સ્ટીવન ચ્યુંગે પણ તેમને અત્યંત લાયક અને તેજસ્વી ગણાવ્યાં છે.
ચીનની લૉ ફર્મમાં કામ કરવાનો પણ દાવો
જકારિયાની લિંક્ડઇન (LinkedIn) પ્રોફાઇલ અનુસાર, તેઓ જૂન 2026થી ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપમાં વરિષ્ઠ સંચાર સલાહકાર તરીકે કાર્યરત હતાં. આ પહેલાં તેમણે અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગમાં પણ કામ કર્યું હતું.
તેમની પ્રોફાઇલમાં વર્ષ 2011થી 2013 દરમિયાન બેઇજિંગની ઝોંગ લુન લૉ ફર્મમાં આંતરરાષ્ટ્રીય કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા કામનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, તેઓ સ્થળાંતરિત મજૂરોનાં બાળકો માટે કામ કરતી સંસ્થા અને કેલિફોર્નિયાના એક રાજકીય સંગઠન સાથે પણ જોડાયેલાં રહ્યાં છે.
અમેરિકાનાં 50 રાજ્યોમાં લાઇસન્સનો રેકોર્ડ નહીં
કેલિફોર્નિયા સ્ટેટ બારના પ્રવક્તા અનુસાર, કેટ શેરોન જકારિયા અથવા કેટ શેરોન બ્લેક નામે વકીલાતનું લાઇસન્સ ધરાવતી વ્યક્તિનો રેકોર્ડ સંસ્થા પાસે નથી. સ્વતંત્ર મીડિયા સંસ્થા પોપ્યુલર ઇન્ફોર્મેશને પણ દાવો કર્યો છે કે અમેરિકાનાં તમામ 50 રાજ્યો અને વોશિંગ્ટન ડી.સી.માં તેમના લાઇસન્સનો રેકોર્ડ મળ્યો નથી.
આ પછી દેખરેખ રાખતા સંગઠન કેમ્પેઇન ફોર એકાઉન્ટેબિલિટીએ કેલિફોર્નિયા સ્ટેટ બારમાં ફરિયાદ કરીને તપાસની માગ કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, લાઇસન્સ વિના પોતાને વકીલ ગણાવવું કાયદાનું ઉલ્લંઘન બની શકે છે.
જોકે, અત્યાર સુધી કોઈ સત્તાવાર તપાસનું પરિણામ જાહેર થયું નથી. સ્ટેટ બારે ગોપનીયતાના નિયમોનો ઉલ્લેખ કરીને ફરિયાદ અથવા તપાસ અંગે પુષ્ટિ કરી નથી. તેથી જકારિયાની વ્યાવસાયિક લાયકાતને લઈને ઊભો થયેલો વિવાદ હજુ યથાવત્ છે.








