રવિ પાકની શરૂઆત વચ્ચે ખાતરના ભાવમાં તોતિંગ વધારો, એક થેલીના સીધા ₹500 વધતાં ખેડૂતોમાં રોષ

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઇફકો (IFFCO) કંપની દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. NPK ખાતરની એક થેલીના ભાવમાં સીધા ₹500નો વધારો થતાં ખેડૂતો પર ખેતી ખર્ચનો બોજ વધવાની ભીતિ છે. અગાઉ ₹1,950માં મળતી ખાતરની થેલીનો ભાવ વધીને ₹2,450 થયો છે. આ ભાવવધારાને પગલે ખેડૂત વર્ગમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની મુશ્કેલી વધી
રવિ પાકની વાવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ખાતરના ભાવમાં થયેલા આ વધારાથી ખેડૂતોના બજેટ પર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હોવાથી ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખેતીમાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી જેવા ખર્ચ પહેલેથી જ ખેડૂતો માટે પડકારરૂપ છે. તેમાં ખાતરની એક થેલી દીઠ ₹500નો વધારો થાય તો ખેતીનો કુલ ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે.
ખેડૂત સંગઠનોમાં નારાજગી
ખાતરના ભાવમાં વધારાને કારણે ખેડૂતોને હવે ખેતી માટે વધુ નાણાં ખર્ચવા પડશે. પરિણામે પાકના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, પાકના વેચાણ ભાવમાં તે મુજબ વધારો નહીં થાય તો ખેડૂતોના નફા પર પણ અસર પડી શકે છે. આ ભાવવધારાને લઈને ખેડૂત સંગઠનોમાં પણ નારાજગી ફેલાઈ છે. સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવના છે.



