સુરતના બ્રેઈનડેડ યુવકના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, 7 વ્યક્તિઓને આપ્યું નવું જીવન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વાટલીયા પ્રજાપતિ સમાજના 40 વર્ષીય બ્રેઈન ડેડ હિતેશ નથુભાઈ કાચરીયાના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કરી કાચરીયા પરિવારે સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ગામ મહેસાણાના 47 વર્ષીય રહેવાસીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના 60 વર્ષીય વ્યક્તિમાં ગુડગાંવ, હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
માથાના દુઃખાવા અને વોમિટીંગ બાદ બ્રેઈનડેડ
સુરતમાં કતારગામ ખાતે આવેલા વિશાલનગરમાં રહેતા અને હોટફિક્ષ (ટેક્ષટાઈલ) મશીન પર જોબવર્ક કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હિતેશભાઈને માથામાં દુ:ખાવો, વોમિટીંગ અને ચાલવામાં તકલીફ થવાને કારણે તા.10 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.
મગજમાં લકવો થયો
11 ડિસેમ્બરના રોજ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે MRI કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. ૧૨ ડિસેમ્બર ના રોજ ફરી એક વખત MRI કરાવતા નાના મગજનું પાણીનું પ્રેશર ઘટી જવાને કારણે નાનું મગજ કરોડરજ્જુના ભાગમાં ખસી જવાને કારણે નાના મગજમાં લકવો થયો હોવાનું નિદાન થયું હતું. જેને કારણે નાના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઇ જતા નાનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. 16 ડિસેમ્બર ના રોજ હિતેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સંતાનો અભ્યાસ કરે છે
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી અંગદાન વિષે માહિતી આપી હતી. જેથી હિતેશભાઈના ધર્મ પત્ની જીતનાગૌરી, પુત્રી ખુશી, પિતા નથુભાઈ, ભાઈઓ અશોકભાઈ અને દિપકભાઈ એ જણાવ્યું કે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન ના સમાચારો વાંચતા હતા. શરીર તો રાખ જ થઇ જવાનું છે, અમારા સ્વજનના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હિતેશભાઈના પરિવારમાં તેમના ધર્મપત્ની જીતનાગૌરી, એક પુત્રી ખુશી ઉ.વ 17 જે M.S યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સ ઝુલોજીમાં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે, બીજી પુત્રી દિતિ ઉ.વ. 15 લીલાબા સ્કુલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને પુત્ર ધર્મ ઉ.વ 9 શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વેડરોડ ખાતે ધોરણ 4માં અભ્યાસ કરે છે.
હ્રદય અમદાવાદ મોકલાયું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડની માંથી એક કિડની અમદાવાદની શેલ્બી હોસ્પિટલને અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પિટલને ફાળવવામાં આવી. NOTTO દ્વારા ફેફસા ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ગામ વસઈ તા. વિજાપુર જી.મહેસાણાના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
ફેફસાં ગુડગાંવ મોકલાયા
દાનમાં મેળવવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ગુડગાંવ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં દિલ્હીના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણે, મહારાષ્ટ્રના રહેવાસી 37 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
ગ્રીન કોરીડોર કરાયા
હૃદય અને ફેફસા સમયસર અમદાવાદ અને ગુડગાંવ પહોચાડવા માટે INS હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગના બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 128 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

