રાજ્યમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2ના મોત, 03 ઘાયલ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટમાં હિટ એન્ડની ઘટના સર્જાઈ, મોડાસામાં બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો, વાલોડ તાલુકામાં કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત, સાબરકાંઠાના તલોદમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ તમામ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજકોટમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. શહેરના પરીન ફર્નિચર નજીક અજાણ્યા વાહને વૃદ્ધને અડફેટે લીધા હતા. આ વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. ્કસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
મોડાસામાં ઉભેલા ટ્રકની પાછળ અન્ય ટ્રકની ટક્કર
મોડાસાના સાકરીયા પેટ્રોલપંપની સામે ઉભેલી ટ્રકની પાછળ બીજી ટ્રકની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક તપાસમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મામલે સંપૂર્ણ તપાસ આદરી હતી.
વાલોડમાં કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત
બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં ઈકો કારનો ચાલક ફસાઈ જતા કટર મશીનથી કારનો ભાગ કટ કર્યા બાદ બહાર કઢાયો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કાર ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
તલોદમાં કાર ચાલકે બાઈક સવારને મારી ટક્કર
સાબરકાંઠાના તલોદમાં રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. તાજપુર રોડ વચ્ચે અજાણ્યાં વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું..અકસ્માત સર્જનાર દારૂના નશામાં ધૂત હોવાનું વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વાયરલ વીડિયોમાં કાર ચાલકને બહાર કાઢીને લોકોએ માર માર્યો હતો.

