મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: PM મોદીએ ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધી, પરિસરમાં કલાકૃતિ અને રોશનીના શણગારને નિહાળ્યા

સોર્સ: gstv

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરની મુલાકાત લઈને ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નું નિરીક્ષણ કર્યું હતું. 

 પરિસરમાં કલાકૃતિ નિહાળી

દીપોત્સવીના પર્વ અને રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાને પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક પ્રસ્તુતિ નિહાળી હતી. આ વિભાગમાં ઉત્તર ભારતના રામમંદિર, હિમાલયની સંસ્કૃતિ તથા પંજાબ-રાજસ્થાનની લોકકલા જેવી પ્રાદેશિક વિશિષ્ટતાઓને પ્રકાશના માધ્યમથી જીવંત કરવામાં આવી છે. તેમણે પરિસરમાં ફરીને દરેક કલાકૃતિ અને રોશનીના શણગારને રસપૂર્વક નિહાળ્યા હતા.

વિવિધ પ્રકાશ રચનાઓ ઊભી કરાઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આયોજિત પ્રકાશ પર્વના આઉટડોર વિભાગમાં ૧૧ જેટલા વિવિધ સેક્શન હેઠળ ભારતીય જીવનમૂલ્યો અને સનાતન પરંપરાને રજૂ કરતી પ્રકાશ રચનાઓ ઊભી કરવામાં આવી છે. વડાપ્રધાને અહીં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી બલૂન અને વિવિધ પ્રકાશિત શિલ્પોની ઝાંખી માણી હતી. 

નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫માં યોજાયેલા પ્રથમ પ્રકાશોત્સવને મળેલી સફળતા બાદ સતત બીજા વર્ષે આ ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રીના હસ્તે તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલા ૯૧ દિવસના આ પ્રકાશોત્સવમાં પ્રવાસીઓ, મુલાકાતીઓ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી દરરોજ સાંજે ૬:૦૦ થી ૧૦:૩૦ સુધી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે.

આ સમાચાર શેર કરો