Kutch: નાણાં ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવ્યો; સારવાર દરમિયાન થયું મૃત્યુ

કચ્છના ભુજ તાલુકાના સામત્રા ગામે સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં પૈસાની માગણી પૂરી ન થતાં એક પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હવે આ મામલો હત્યાના ગુનામાં પલટાયો છે.
ગેરેજમાં લઈ જઈ આગ ચાંપી
મળતી માહિતી મુજબ, સામત્રા ગામમાં નાણાંના મુદ્દે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપી પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી હતી. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયો હતો.
દાઝેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પતિના મોત બાદ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આરોપી મૃતકની બીજી પત્ની હતી
મૃતક પતિની આ બીજી પત્ની હતી. મૃતકની પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું હતું, અને ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં જ તેમણે આ બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા હતા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો. નાણાં અને દાગીનાના મુદ્દે ચાલી રહેલા ઝઘડામાં આ કરુણ અને ઘાતકી ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

