મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં માવઠાનો કહેર! 21 તાલુકામાં કમોસમી વરસાદ, અમરેલી-વડિયામાં મગફળીના પાકને ભારે નુકસાન

ગુજરાતમાં માવઠાનો કહેર! 21 તાલુકામાં કમોસમી વરસાદ, અમરેલી-વડિયામાં મગફળીના પાકને ભારે નુકસાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઑક્ટોબરના સવારે 6 વાગ્યાથી 31 ઑક્ટોબરના સવારે 6 વાગ્યાના 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલી અને વડિયા સહિતના તાલુકામાં 1.5 ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને માઠી અસર પહોંચી છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના ખેતીપાકોને નુકસાન

અમરેલી જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝૂટવાઇ ગયો છે. શુક્રવારે(30 ઑક્ટોબર) સાંજ બાદ વાતાવરણમાં પલટો આવતાં ખાંભા ગીર, બગસરા, અમરેલી, કુકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા માવઠાના કારણે ખેડૂતોએ યાર્ડમાં લઈ જવા ખેતરોમાં તૈયાર કરેલા મગફળીના પથારાને ભારે નુકસાન થયુ હતુ. ખાંભા ગીરના ગામડાઓ અને વડિયા પંથકમાં ખેડૂતોને મો માં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોવાની હૈયાવરાળ ખેડૂતોએ ઠાલવી હતી.

'100-150 રૂપિયા ભાવ ઓછા મળી શકે, ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ'

ખેડૂતોએ જણાવ્યું હતું કે, 'અમરેલી અને વડિયામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ પડવાને કારણે મગફળીનો પાક બગડી ગયો છે. મગફળી કાળી પડી ગઈ છે અને કાલે માવઠું થતા મગફળીના પાથરા પલળી ગયા હતા, જેને આજે સવારે ભેગા કરવાની મજૂરી કરવી પડી હતી. જ્યારે પાક ખરાબ થવાને કારણે બજારમાં 100-150 રૂપિયા ભાવ ઓછા મળવાની શક્યતા છે. માવઠું પડતાં ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાડીમાં પિયત માટે પૂરતું પાણી નથી, માત્ર પીવા પૂરતું જ પાણી ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોની દશા કફોડી બની છે.'

'મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો'

અન્ય ખેડૂતોએ વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી માંડ-માંડ પાણી ખેંચી મગફળીનો પાક બચાવ્યો હતો. અચાનક સાંજે ભારે પવન અને ધોધમાર કમોસમી વરસાદ ત્રાટકવાથી ખેતરમાં બધું ખેદાન-મેદાન થઈ ગયું છે. વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી ખરાબ થવાના કારણે 50% ભાવ થઈ જશે. કુદરતી આફતના આ સમયે સરકારે રાહત પેકેજ કે સહાયની જાહેરાત કરવી જોઈએ'

આ સમાચાર શેર કરો