Video: ડાકોર નજીક શેઢી નદીમાં કેમિકલયુક્ત પાણી ઠલકાયું, ફીણના ગોટેગોટા વળતાં ખેતી-પશુધન અને આરોગ્ય પર ગંભીર ખતરો
ખેડા જિલ્લાના ડાકોર નજીક આવેલા વિઝોલ ગામની શેઢી નદીમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા ગંભીર પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે. આ કેમિકલયુક્ત પાણીને કારણે નદીમાં ફીણના ગોટેગોટા વળ્યા છે, જે હવામાનમાં ફેલાઈ જાય તેવી સ્થિતિ સર્જાતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ઉમરેઠ તરફથી આવતા વાહનો રાત્રે કેમિકલ ઠાલવી ભાગી જાય છે
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રિના સમયે ઉમરેઠ તરફથી આવેલા કેમિકલ ભરેલા વાહનો નદી કિનારે કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવીને તાત્કાલિક ભાગી જાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે નદીનું પાણી પ્રદૂષિત થતાં ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો છે. શેઢી નદીના પાણીનો ઉપયોગ આસપાસના ગામ વિસ્તારમાં ખેતી માટે કરવામાં આવે છે, જેથી કૃષિ પર પણ માઠી અસર પડશે. નદીમાં નાખવામાં આવેલા ગંદા કેમિકલયુક્ત પાણીથી વિસ્તારના પશુધનને પણ ભારે ખતરો ઊભો થયો છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં રોષ
વિઝોલના ખેડૂત અલ્પેશ પરમાર અને સ્થાનિક નાગરિક વીરેનસિંહ પરમારે જણાવ્યું કે, આ પ્રદૂષણ અંગે ગ્રામજનોની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતાના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય બંને જોખમમાં મુકાયા છે.

