Video: ધોરણ સાતનું પેપર એક દિવસ વહેલું લેવાયું

વડોદરા જિલ્લાના સાવલી સ્થિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સમાં પરીક્ષાના આયોજનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર 29 ઓક્ટોબરે યોજાવાનું હતું, પરંતુ શાળામાં એક દિવસ અગાઉ જ પરીક્ષા લઈ લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, બસોથી વધુ વિદ્યાર્થીઓએ નિર્ધારિત તારીખ પહેલાં જ પરીક્ષા આપી દીધી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ આ જ પેપર નક્કી કરેલા સમયપત્રક મુજબ આપવાનું હતું. પેપર ફૂટવાની આશંકાને કારણે વહેલી પરીક્ષા લેવાઈ હતી કે પછી સમયપત્રકની ગરબડ હતી, તે અંગે સવાલો ઊભા થયા છે. પ્રિન્સિપાલે પરીક્ષાના સમયપત્રકમાં ગરબડ થઈ હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. હવે શિક્ષણ વિભાગની તપાસમાં બેદરકારી માટે જવાબદાર કોણ છે અને શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.








