Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : When will BJP city and district presidents be announced in Gujarat?

ગુજરાતમાં ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોનું કોકડું ગૂંચવાયું, જાણો ક્યારે થશે જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોનું કોકડું ગૂંચવાયું, જાણો ક્યારે થશે જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે તે પહેલા શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે. શહેર-જિલ્લા પ્રમુખોના નામ ક્યારે જાહેર થશે તે અંગે ભાજપમાં રાજકીય કુતુહલતા છે.

App Store

ઉત્તરાયણ બાદ તરત જ નામોનું એલાન થાય તેવી શક્યતા હતી પણ હજુ સુધી કોકડુ ગૂંચવાયેલું રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે, ક્યા જૂથને પ્રમુખપદ આપવું અને રિપિટ કરવાના મુદ્દે આંતરિક ડખો સર્જાયો છે. જોકે, પ્રમુખપદની નિમણૂંક બાદ જૂથવાદ વકરે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. પ્રમુખોના નામ માટે હજુ વાર જોવી પડી શકે છે.

અમદાવાદ સહિત 33 જિલ્લામાં પ્રમુખોની થશે વરણી

અમદાવાદ સહિત આઠ મહાનગરમાં શહેર પ્રમુખ ઉપરાંત 33 જિલ્લામાં પ્રમુખોની વરણી કરવાનો મુદ્દો વધુને વધુ પેચીદો બની રહ્યો છે. શહેર-જિલ્લા પ્રમુખની યાદી હવે હાઇકમાન્ડના હાથમાં પહોંચી છે. જાણવા મળ્યુ છે કે, ભાજપના બે જૂથો વચ્ચે શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા કશ્મકશભરી લડાઇ જામી છે. છેક દિલ્હી સુધી લોબિંગ પણ કરવામાં આવ્યું છે. હવે પ્રમુખપદ હાંસલ કરવામાં ક્યુ જૂથ ફાવે તે જોવું રહ્યુ.

આ લોકોને પ્રમુખપદ નહીં મળે

60થી વધુ વય ધરાવતા હશે, મ્યુનિસિપલ કોર્પોરેટર હશે તેને પ્રમુખપદ નહીં આપવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. કેટલાંકને રિપિટ કરવામાં આવે તેવી વાત છે પણ આંતરિક વિરોધના ડરથી આખોય મામલો ગૂંચવાયો છે. આ ઉપરાંત ક્યા જૂથના વ્યક્તિને શહેર-જિલ્લા પ્રમુખપદ આપવુ તે મુદ્દે પમ ભારે ખેંચતાણ જામી છે. ચર્ચા એવી પણ છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે મોડી સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમની વિદાય બાદ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પણ ગમે તે ઘડીએ ગાંધીનગર આવે તેમ છે.જોકે, સર્વસંમતિ સધાઇ હોય તેવા નિર્વિવાદ નામોની પહેલાં જાહેરાત થશે જ્યારે અન્ય નામોની પછીથી જાહેરાત થશે.

પાટીલના 'દિલ્હીગમન' પછી કમલમ નધણિયાતુ બન્યું 

સી.આર.પાટીલના દિલ્હીગમન બાદ ગુજરાત ભાજપ જાણે નધણિયાતુ બન્યુ છે. જિલ્લા-તાલુકા પંચાયતથી માંડીને સહકાર ક્ષેત્રે ભાજપના નેતાઓ જ બળવાખોરની ભૂમિકા ભજવી રહ્યાં છે. ભાજપના નેતા-ધારાસભ્યો સરકાર સામે બાંયો ચડાવી રહ્યાં છે. ગુજરાતમાં અમરેલી લેટરકાંડને જોતાં ભાજપના અસંતુષ્ટો ભાજપને બદનામ કરી રહ્યાં છે તેમ છતાંય કોઇ કહેનાર નથી. ડેમેજકંટ્રોલ કરનાર કોઇ નથી. 8 મહાનગર-33 જિલ્લા પ્રમુખો માટે 1300 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રમુખપદ મેળવવા ભારે ખેંચતાણ જામી છે. રાજકીય ગોડફાધરો થકી દિલ્હી સુધી લોબિંગ કરાયુ છે. આ સંજોગોમાં ખુદ હાઇકમાન્ડ વિચારી રહ્યુ છે કે, જેમ બને તેમ જલદી ગુજરાત ભાજપનું માળખુ રચવું. જોકે, જે રીતે હાલ ભાજપમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે તે જોતાં નવા પ્રદેશ પ્રમુખ માટે આંતરિક જૂથવાદ-રોષને ઠારવો પડકારરૂપ બની રહેશે.

આ પણ વાંચો: 'ન્યૂ યર ગિફ્ટ' સરકારને મોંઘી પડી: ગુજરાતમાં નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનથી અસંતોષનો ચરૂ ઉકળ્યો

શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક પછી પાલિકા-પંચાયતની ટિકિટ માટે કમલમમાં 'મથાપચ્ચી' જામશે

એકાદ અઠવાડિયામાં જ પાલિકા-પંચાયતની ચૂંટણીનું રાજ્ય ચૂંટણી પંચ એલાન કરી શકે છે. એવુ જાણવા મળ્યુ છે કે, વિધાનસભા સત્ર પહેલાં જ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ આટોપી લેવા નક્કી કરાયુ છે. હજુ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોના નામોની કાગડોળે રાહ જોવાઇ રહી છે ત્યારે આ નિમણૂંકો પછી કમલમમાં પાલિકા-પંચાયતની ટિકિટ માટે મથાપચ્ચી જામશે. સંગઠનમાં હોદ્દોથી વંચિત રહેલાં પાલિકા-પંચાયતમાં રાજકીય હાથ અજમાવી શકે છે તે જોતાં ભાજપમાં આંતરકલહ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.