Video: જૂનાગઢના કેશોદ અને માણાવદર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની દિવાળી બગડી

કેશોદના બાલાગામ અને બામણાસા ગામમાં એક ઇંચથી વધુ વરસાદી માવઠું વરસ્યું છે, તો સાથે જ ફૂંકાયેલા તેજ પવનને કારણે વાડી વિસ્તારમાં આવેલા કાચા મકાનોના છાપરા અને પતરા ઉડી ગયા છે અને ઘરવખરી પણ પલળી ગઈ છે. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર કરીને ઉપાડેલી મગફળીનો પાક પલળી જતાં તેનું વજન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે, એટલું જ નહીં પરંતુ પશુઓ માટેનો સાચવેલો સૂકો ઘાસચારો પણ નાશ પામતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માણાવદરના મટીયાણા અને આંબલીયામાં પણ માવઠાનો માર પડ્યો છે. નબળા ચોમાસા બાદ હવે આ માવઠાના કારણે ખાતર અને બિયારણના ખર્ચા પણ માથે પડ્યા છે અને પલળેલી મગફળી ખુલ્લા બજારમાં વેચવી મુશ્કેલ બનતા બજારભાવ તળિયે જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા અને ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની ઉગ્ર માંગ કરી છે.






