'ન્યૂ યર ગિફ્ટ' સરકારને મોંઘી પડી: ગુજરાતમાં નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનથી અસંતોષનો ચરૂ ઉકળ્યો

ગુજરાતમાં નવી મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાનું વિભાજન કરી સરકારે ગુજરાતીઓને નવી ભેટ આપી હતી પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં પણ અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. આ ઉપરાંત નવી મહાનગરપાલિકા જાહેર થતાં સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદમાં વિરોધનો બૂગિંયો ફુંકાયો છે. આ જોતાં સરકાર માટે તો બકરૂં કાઢતાં ઉંટ પેઠુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાનુંય વસ્તી-વિસ્તારના આધારે સરકાર વિભાજન કરવા જઇ રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ વધુ વકરે તેવો સરકારને ડર પેઠો છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સરકાર ભેખડે ભરાઇ
બનાસરાંઠા જિલ્લાનું વિભાજન કરી સરકાર ખુદ ભેખડે ભરાઇ છે. શિહોરી, કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. દિયોદરમાંથી ઓગડ જિલ્લો બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. અનેક પ્રયાસો છતાંય ભાજપ સરકાર વિરોધ ડામવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મેદાને ઉતરવું પડ્યુ છે તેમ છતાંય વિરોધ પ્રદર્શન જારી છે. આ કારણોસર સરકારની ચિંતા વધી છે.
ભાજપના ધારાસભ્ય જ વિરોધમાં ઉતર્યા
હજુ અન્ય નવા જિલ્લાની રચના કરવા સરકાર વિચારી રહી છે ત્યારે પંચમહાલમાં ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદીને નવો તાલુકો જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી છે જેના કારણે સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવુ છે કે, ફતેસિંગ પોતાની મનમાની કરી રહ્યાં છે. હાલ ધારાસભ્ય સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે.
આ બાજુ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારે ગોધરા તાલુકાના ગામોને નવિન તાલુકામાં સમાવેશ નહીં કરવા ભલામણ કરી વિરોધ નોંધાવ્યો છે. આમ, નવા તાલુકાને લઇને ભાજપના બન્ને ધારાસભ્યો આમને-સામને આવ્યાં છે.
આણંદમાં પણ વિરોધ
આણંદ મહાનગરપાલિકામાં સરદારના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો છે. કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં બંધ પણ પાળવામાં આવ્યો હતો. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, કરમસદને આણંદ મનપામાં સમાવીને સરદાર પટેલનું નામ ભૂંસકી નાખવા કારસો રચાયો છે જેના પગલે વિરોધ થઇ રહ્યો છે.
અન્ય જિલ્લામાં પણ બનાસકાંઠાવાળી થઇ શકે
બનાસકાંઠા બાદ વસ્તી-વિસ્તારની દ્રષ્ટિએ અન્ય જિલ્લા રચવા સરકારે નક્કી કર્યુ છે જેમાં કચ્છ, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. નવા તાલુકાઓની પણ રચના થઇ શકે છે તે જોતાં આ બધાય જિલ્લાીઓમાં બનાસકાંઠાવાળી થઇ શકે છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ મુદ્દે આંદોલન
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે, સ્થાનિકોની માંગણી છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખો. વઢવાણ નામનો કોઇ ઉલ્લેખ કરાયો નથી ત્યારે વઢવાણવાસીઓ સરકારથી નારાજ છે.અસ્મિતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે. લોકોનું કહેવુ છે કે, વઢવાણ ઐતિહાસિક નગરી છે. 2500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા શહેર વઢવાણનું નામ સુરેન્દ્રનગરપાલિકા સાથે ન જોડવુ એ વઢવાણવાસીઓનું અપમાન છે. જો નામ રાખવામાં નહીં આવે તો વઢવાણ શહેર બંધનું એલાન આપશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લાનું વિભાજન ભાજપને નડશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જિલ્લા વિભાજનનો મુદ્દો ભાજપને નડી શકે છે. બનાસકાંઠા બાદ અન્ય જિલ્લા-તાલુકાના વિભાજનને લઇને આંતરિક વિખવાદ વકર્યો છે. આ જોતાં ભાજપ સરકારને બનાસકાંઠા જિલ્લા વિભાજન કરવુ ભારે પડી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા રાજકીય પક્ષો: ક્રિમિનલ કેસ હોવા છતાંય અનેકને બનાવ્યા ઉમેદવાર
બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે સરકાર ફેરવિચારણા કરી શકે
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવુ સરકારને ભારે પડી રહ્યું છે કેમ કે કાંકરેજ, ધાનેરા અને દિયોદરવાસીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે તે જોતા જિલ્લા વિભાજન બાદ સરકારને ફેર વિચારણા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કાંકરેજના કેટલાંક ગામોને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરાય તેવુ ચર્ચાઇ રહ્યુ છે.
મહુવાને જિલ્લો જાહેર કરવા મોરારીબાપુની માંગ
કથાકાર મોરારીબાપુએ પણ બનાસકાંઠા જિલ્લાની જેમ અલાયદો જિલ્લો બને તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ચિત્રકુટ એવોર્ડ સમારોહ વખતે મોરારીબાપુએ કહ્યું કે, ધારાસભ્ય અહીં બેઠા છે ત્યારે મહુવાને જિલ્લા તરીકે લાભ મળે તે ઇચ્છનીય છે. આમ,બનાસકાંઠા પછી વધુ જિલ્લા વિભાજન થાય તેવી માંગ ઉઠવા માંડી છે જેથી સરકાર પણ ચિંતાતુર બની છે.

