Bharuch News: આમોદમાં 98 લાખના CCTV મુદ્દે વિવાદ, ટેન્ડર વિના પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષ લાલઘૂમ

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા રૂ. ૯૮ લાખના CCTV કેમેરા ટેન્ડર મુદ્દે વિવાદ ઊભો થયો છે. અપક્ષના ૧૦ સભ્યોને પુછપરછ વિના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષે આ પ્રક્રિયા સામે ઊગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.
યોગ્ય કારણ રજૂ ન કરાયું
વિપક્ષ નેતા ઉમેશ પંડ્યાએ આ ટેન્ડરને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતાં જણાવ્યું હતું કે,"નગરપાલિકા પાયાની સુવિધાઓ જેમ કે પાણી, રસ્તા અને ગટર જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે, છતાં મોંઘા કેમેરા લગાડીને નગરજનો પર આર્થિક ભાર મૂકવામાં આવી રહ્યો છે."વિપક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા બે વર્ષથી શહેરમાં કોઈ મોટી ચોરીની ઘટના પણ નોંધાઈ નથી, છતાં ₹૯૮ લાખના ખર્ચ માટે કોઈ યોગ્ય કારણ રજૂ કરવામાં આવ્યું નથી.
140 કેમેરા અને 31 ટાવર મૂકાશે
બીજી તરફ, નગરપાલિકા મુખ્ય અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "ટેન્ડર માત્ર ₹૯૮ લાખનું છે, જેના માધ્યમથી ૧૪૦ કેમેરા અને ૩૧ ટાવર શહેરના વિવિધ વિસ્તારોમાં મુકાશે. સુરક્ષા દ્રષ્ટિએ આ પગલું જરૂરી છે અને ટેન્ડરમાં કોઈપણ જાતની ગેરવહીવટ થઈ નથી."નગરપાલિકા પ્રમુખે પણ ટેન્ડરનો બચાવ કરતા કહ્યું કે,"અગાઉ શહેરમાં થયેલા ચોરીના બનાવોને ધ્યાને લઈ નગરજનોની સુરક્ષા માટે આ નિર્ણયો લેવાયો છે." વિપક્ષે વિરોધ નોંધાવતાં સુચન આપ્યું છે કે પ્રથમ તબક્કામાં માત્ર અતિજરૂરી વિસ્તારોમાં જ કેમેરા મુકવામાં આવે અને ત્યારબાદ જરૂરિયાત અનુસાર પ્રક્રિયા આગળ વધારવામાં આવે.

