દાણીલીમડામાં કમરે ‘નકલી પિસ્તોલ’ ભરાવી રોફ જમાવતો સગીર ઝડપાયો, પુત્રને બાઇક આપનારા પિતા સામે ફરિયાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયોમાં બાઇક લઈને જતો એક સગીર કમરે ‘પિસ્તોલ’ ભરાવીને જતો દેખાયો હતો. જો કે, પોલીસ તપાસમાં તે પિસ્તોલ નહીં પરંતુ લાઇટર હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ સગીર પાસે બાઇક ચલાવવાનું લાયસન્સ ન હતું, તેથી પોલીસે તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે.
વીડિયો વાઈરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વાઈરલ વીડિયોમાં એક બાઇક સવાર આંબેડકર બ્રિજથી ખોડિયાર નગર ચાર રસ્તા તરફ જતો હતો. ત્યારે તેની કમર પર પિસ્તોલ જોવા મળી હતી. આ વીડિયો ધ્યાને આવતા જ પોલીસે બાઇક રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની શોધખોળ આદરી હતી. આ તપાસમાં સામે આવ્યું હતું કે, બાઇક માલિક દાણીલીમડામાં રહેતા 50 વર્ષીય મોહમ્મદ દાસામી અલીહસન શેખ છે.
'પિસ્તોલ' લાઇટર નીકળી, પણ બાઇક ચાલક સગીર હતો
આ દરમિયાન પોલીસે શંકાસ્પદોની પૂછપરછ કરીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, વીડિયોમાં દેખાતી પિસ્તોલ જેવી વસ્તુ હથિયાર ન હતું, પરંતુ પિસ્તોલ આકારનું લાઇટર હતું. જો કે, તપાસમાં ગંભીર બાબત સામે આવી કે બાઇક લઈને જતો સગીર હતો, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. તેણે 3 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 4 વાગ્યે ખોડિયાર નગર તરફ પૂરપાટ ઝડપે બાઇક હંકારી હતી. તેણે ખોડિયાર નગર BRTS બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિક વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી હતી. આ વાતની પોલીસે ગંભીરતાથી નોંધ લીધી હતી.
લાયસન્સ વગર બાઇક આપવા બદલ પિતા સામે કાર્યવાહી
આમ, સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં, તેને બાઇક ચલાવવા આપવા બદલ પોલીસે મોહમ્મદ શેખ સામે મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

