દાણીલીમડામાં મોપેડ ધડાકાભેર AMCના વાહન પાછળ ઘૂસી ગયું, ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા વૈકુંઠધામ મંદિર નજીક બુધવારે(5 ઓગસ્ટ) એક બેફામ આવી રહેલી મોપેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મોપેડ ધડાકાભેર AMCના વાહન પાછળ ઘૂસી ગયું
પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના દાણીલીમડા વૈકુંઠધામ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહેલી એક મોપેડના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા AMCના વાહનની પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડચાલક રોડ પર પટાકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
ઘટના બનતાની સાથે જ આસપાસના સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત મોપેડચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત સમયે AMCનું વાહન રોડ સાઈડમાં પાર્ક કરેલું હતું કે ચાલુ સ્થિતિમાં હતું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ઈજાનો ગુનો નોંધી ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.

