Video: અમરેલીમાં માવઠાનો માર: ડેડાણ અને ચકરાવામાં અચાનક તૂટી પડ્યો વરસાદ, જગતના તાતની ચિંતા વધી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક તૂટી પડેલા આ માવઠાને કારણે સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના જીવ તાળવે ચોંટી ગયા છે.
મળતી વિગતો મુજબ, ખાંભા ગીરના ડેડાણ, ચકરાવા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં લહેરાતા અને લણણી માટે તૈયાર ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખાસ કરીને હાલ ખેતરોમાં રહેલા કપાસ, મગફળી અને સોયાબીન જેવા રોકડિયા પાકને આ વરસાદથી મોટો ફટકો પડવાની શક્યતા છે. હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાતાં ધરતીપુત્રો ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે તેવી ચિંતામાં મુકાયા છે. ભર શિયાળે કે અણધાર્યા સમયે વરસેલા આ વરસાદથી સમગ્ર પંથકના ખેડૂત આલમમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.












