Video: સાવલીના આનંદીના મુવાડા ગામે કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ બેકાબૂ બની છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કેનાલનું ભંગાણ સુધરવાને બદલે લાખો લીટર પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે વગર વરસાદે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત કેનાલનું પાણી કાચા રસ્તા પર ફરી વળતા રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે વારંવાર રજૂઆતો છતાં ખોડિયાર માતાના મંદિર પાસેનો કાચો રસ્તો પાકો બનાવવામાં આવ્યો નથી, અને ખાસ કરીને પંચાયતના બાંધકામ ચેરમેનના પોતાના જ વિસ્તારમાં રસ્તાના અભાવે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.







