Video: પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રોડ-રસ્તા, ઉભરાતી ગટરો અને ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે નગરપાલિકા ભેદભાવની નીતિ અપનાવતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. બાંધકામની રજા ચિઠ્ઠી આપવાના મુદ્દે વિપક્ષના સભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવ્યા હતા, જ્યારે ટાઉન પ્લાનર અને જુનિયર ટાઉન પ્લાનરે નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં મંજૂરી અપાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. એજન્ડાનાં 52 કામો કમિટીમાં રજૂ કર્યા વિના સીધાં સામાન્ય સભામાં લવાયાં હોવાનો પણ વિપક્ષે દાવો કર્યો હતો. જોકે, ચીફ ઓફિસરે આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે દીપક પટેલે મંજૂરી વિના પેટ્રોલ પંપનું બાંધકામ શરૂ કરતાં તેમણે સત્તાની રૂએ કામ અટકાવ્યું હતું. દબાણો દૂર કરવાની કાર્યવાહી ટોપ પ્રાયોરિટી મુજબ કરવામાં આવતી હોવાનું પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.








