Video: અંકલેશ્વરમાં ગોડાઉન પર દરોડો, 20 હજાર કિલોથી વધુ ઘી જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટ-02ના એ.બી. એન્ટરપ્રાઇઝ ગોડાઉન પર દરોડો પાડીને 20,375 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગોડાઉનમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ત્રણ ટેન્ક અને ડબ્બાઓમાં ભરેલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સંબંધિત શખ્સો જથ્થા અંગેના બિલ અને જરૂરી લાઇસન્સ રજૂ કરી શક્યા નહોતા. પ્રાથમિક તપાસમાં ઓઇલને મોટી સ્ટેનલેસ સ્ટીલની ટેન્કમાં સંગ્રહ કરીને 15 લિટરના ડબ્બામાં ભરી તેના પર 'પંચમ પૂજા ઓઇલ'નાં લેબલ લગાવવામાં આવતાં હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આશરે 31.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ માટે આઠ નમૂનાઓ લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








