અમદાવાદ-મુંબઈ વચ્ચે 'કાર્ગો' વંદે ભારતનું સફળ ટ્રાયલ, ટ્રેને 130 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી

ભારતીય રેલવેએ દેશની પ્રથમ 'વંદે ભારત ફ્રેટ ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ'(Freight EMU)નું પશ્ચિમ રેલવેના અમદાવાદ–વડોદરા–મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર દેશની પહેલી 'કાર્ગો' વંદે ભારતનું સફળ ટ્રાયલ રન પૂર્ણ કર્યું છે. RDSOની દેખરેખ હેઠળ યોજાયેલા આ 'કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન' (COCR) પરીક્ષણ દરમિયાન ટ્રેનની કામગીરી અને સ્થિરતાની 130 કિમી/કલાકની ઝડપે ચકાસણી કરવામાં આવી હતી.
આ 16 કોચવાળી અત્યાધુનિક ફ્રેટ EMUનું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી(ICF) દ્વારા વંદે ભારત પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે. આ ટ્રેન મુખ્યત્વે ઈ-કોમર્સ, કુરિયર, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કોલ્ડ-ચેઈન જેવા ઉચ્ચ-મૂલ્ય ધરાવતા અને સંવેદનશીલ માલસામાનના ઝડપી પરિવહન માટે તૈયાર કરવામાં આવી છે.
ટ્રાયલ રનની મુખ્ય વિગતો
રૂટ અને સમય: આ રેકને ICD સાબરમતી ખાતેથી તૈયાર કરી 12 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ માટે રવાના કરાયો હતો, જ્યારે 13 સપ્ટેમ્બરે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે રીટર્ન ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું.
ક્ષમતા ચકાસણી: પરીક્ષણ દરમિયાન રેકને 50 ટકા પેલોડ અને 20.32 ટન એક્સલ લોડ સાથે દોડાવવામાં આવ્યો હતો.
ઝડપ: આ રેકની ડિઝાઈન સ્પીડ 160 કિમી/કલાક છે. અગાઉ પશ્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવિઝનમાં ખાલી સ્થિતિમાં આ ટ્રેને 145 કિમી/કલાકની ઝડપ હાંસલ કરી હતી. અમદાવાદ ડિવિઝનના સહયોગથી વર્તમાન સેક્શન પર 130 કિમી/કલાક સુધીની ઝડપે સ્થિરતા ચકાસવામાં આવી.
આધુનિક સુવિધાઓ અને ટૅક્નોલૉજી
16 કોચની અદ્યતન સંરચના: ઝડપી લોડિંગ-અનલોડિંગ માટે પહોળા ઓટોમેટિક દરવાજા અને પેલેટ આધારિત લોડિંગ માટે રોલર ફ્લોર.
કોલ્ડ ચેઈન સુવિધા: નાશવંત ચીજવસ્તુઓ માટે રેફ્રિજરેટેડ (રીફર) વેનની વ્યવસ્થા.
સુરક્ષા અને મોનિટરિંગ: સ્વદેશી 'કવચ' સુરક્ષા પ્રણાલી, સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને ઓટોમેટિક ડોર લોકિંગ સિસ્ટમ.
આ સેવા સમર્પિત માલવાહક કોરિડોર(DFC) પર દોડતી ભારે માલગાડીઓનો વિકલ્પ બનવાને બદલે પેસેન્જર રૂટ્સ પર ઝડપી એક્સપ્રેસ લોજિસ્ટિક્સ પૂરી પાડશે. RDSO દ્વારા ટ્રાયલના ડેટાનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં તેને વ્યાપારી ધોરણે શરૂ કરવામાં આવશે, જે સડક પરિવહનની તુલનામાં સસ્તો અને ઝડપી વિકલ્પ સાબિત થશે.

