અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 'મેગા મશીન'ની એન્ટ્રી: વજન જાણીને ચોંકી જશો!

Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના અંતર્ગત મુંબઈના વિક્રોલી ખાતેથી દેશના ઇતિહાસમાં સૌથી મોટી રેલ ટનલ બોરિંગ મશીને (TBM) ભૂગર્ભ સુરંગ ખોદવાની શરૂઆત કરી દીધી છે. આ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક અને મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ મશીન દ્વારા મુંબઈના અત્યંત ગીચ વિસ્તારોની નીચેથી બુલેટ ટ્રેન માટે સુરક્ષિત રસ્તો તૈયાર કરવામાં આવશે.
ચાર માળની ઇમારત જેટલી ઊંચી અને ફૂટબોલ મેદાન જેટલી લાંબી મશીન
આ વિશાળકાય મશીનનો વ્યાસ (ડાયામેટર) 13.6 મીટર છે, જે આશરે ચાર માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. ભારતમાં રેલ ક્ષેત્રે આટલી મોટી મશીનનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે. તેનું કુલ વજન આશરે 3100 ટન છે, જે 500 એશિયાઈ હાથીઓના વજન બરાબર થાય છે. એટલું જ નહીં, તેની 96 મીટરની લંબાઈ એક આખા ફૂટબોલ મેદાન જેટલી છે. આ ભીમકાય મશીનને ચલાવવા માટે જમીનની ઉપર એક આખી આધુનિક અને હાઈટેક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.
21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલનું નિર્માણ
મીઠી નદી અને ગીચ વિસ્તારોની નીચેથી પસાર થશે ટ્રેક
આ અંડરગ્રાઉન્ડ ટનલ મુંબઈના સૌથી વ્યસ્ત રહેણાંક વિસ્તારો, ઊંચી ઇમારતો, રસ્તાઓ અને મીઠી નદીની બરાબર નીચેથી પસાર થવાની છે. આ માટે વિશેષ 'મિક્સશીલ્ડ ટેક્નોલોજી'નો ઉપયોગ કરાયો છે, જે વધુ ભૂગર્ભ જળ ધરાવતા વિસ્તારો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આધુનિક ટેક્નોલોજીને કારણે જમીન ધસી પડવાનો કે ઉપરની ઇમારતોને નુકસાન થવાનો કોઈ ભય રહેતો નથી.
20 માળની ઇમારત જેટલો ઊંડો શાફ્ટ અને સુરક્ષા વ્યવસ્થા
આ જાયન્ટ મશીનને જમીનની અંદર ઉતારવા માટે વિક્રોલીમાં 56 મીટર ઊંડો એક વિશાળ શાફ્ટ બનાવવામાં આવ્યો છે, જેની ઊંડાઈ લગભગ 20 માળની ઇમારત જેટલી છે. આ જગ્યાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાવર સબ-સ્ટેશન અને બેકઅપ જનરેટર જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ખોદકામ દરમિયાન ઉપરની સપાટી પર કોઈ પ્રભાવ ન પડે તે માટે ખાસ સેન્સર્સ, ટિલ્ટ મીટર અને સીસ્મોગ્રાફ લગાવવામાં આવ્યા છે, જે લાઈવ ડેટા સીધો કંટ્રોલ રૂમને મોકલે છે.
100 ટનની કૉંક્રીટનું રિંગથી સુરંગ સંપૂર્ણ વોટરપ્રૂફ બનશે
થાણેના મહાપે કાસ્ટિંગ યાર્ડમાં આ ટનલને મજબૂતી આપવા માટે 100-100 ટનની 7700 કૉંક્રીટ રિંગ તૈયાર કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં સુરંગમાં પાણીના લીકેજનો ખતરો બિલકુલ ન રહે તે માટે ડબલ-લેયર રબર સીલ અને અત્યાધુનિક વોટરપ્રૂફ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આખી ટનલ સંપૂર્ણપણે સુરક્ષિત બને.

