મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કુંડલી નજીક ઓખા ટ્રેનને ઉથલાવવાના કાવતરામાં બે શખ્સને જનમટીપની સજા

કુંડલી નજીક ઓખા ટ્રેનને ઉથલાવવાના  કાવતરામાં બે શખ્સને જનમટીપની સજા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બોટાદ જિલ્લાના કુંડલી નજીક ઓખાથી ભાવનગર આવતી ટ્રેનમાં સવાર મુસાફરોેને લૂંટવાના ઈરાદે બે માનસિક વિકૃત શખ્સોએ સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મુકી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કર્યું હતું. આ ચકચારી કેસમાં બોટાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી અવળ ગામના બે શખ્સને જનમટીપની સજા ફટકારી છે.

ભાવનગર રેલવે મંડળની ઓખા-ભાવનગર ટ્રેન નં.૧૯-૧૦ ગત તા.૨૫-૯-૨૦૨૪ના રોજ ઓખાથી ભાવનગર આવી રહી હતી. આ સમયે શરૃ રાત્રિના ૨-૫૮ કલાકે ટ્રેન કુંડલી સ્ટેશનથી બોટાદ રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થતી હતી. ત્યારે કિ.મી.૬૯/૪થી કિ.મી.૬૯/૫ની વચ્ચે મીટરગેજ લાઈનના પાટાનો કટકો લોકો (એન્જિન) સાથે ધડાકાભેર અથડાતા એન્જિન બંધ પડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ, આરપીએફ, બોટાદ જિલ્લા પોલીસ, ડોગ સ્કવોડ, એલસીબી, એસઓજીનો મસમોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સોએ ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટે મીટર ગેજની જૂની રેલવે લાઈનનો આશરે ચાર ફૂટ લંબાઈનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી મુકી દેતા એન્જિન બંધ પડી ગયું હતું. સદ્નસીબે ટ્રેન કોઈ મુસાફરોને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. બનાવ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર સેક્શન એન્જિનિયર એચ.એમ.મીણાએ અજાણ્યા શખ્સો સામે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૩ (૫), ૬૧ (ર), ૬૨, ૧૨૫, સાર્વજનિક મિલકતોને નુકશાન અટકાવવાના અધિનિયમની કલમ ૩ અને ભારતીય રેલવે અધિનિયમની કલમ ૧૫૦ (૧) (એ), ૧૫૦ (ર) (બી) હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ એલસીબી પીઆઈને સોંપવામાં આવી હતી.

પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં રમેશ ઉર્ફે રમુડિયો કાનજીભાઈ સલીયા અને જયેશ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળિયા (રહે, બન્ને અળવ, તા.રાણપુર) નામના શખ્સોની સંડોવણી બહાર આવતા બન્નેની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવતા શખ્સોએ સામૂહિક માનવહાનિ પહોંચાડી લૂંટ ચલાવવા ટ્રેનને ઉથલાવવા ષડયંત્ર રચ્યાની કબૂલાત આપી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે ૫૫ દસ્તાવેજી પુરાવા, ૧૫ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો-રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ મનીષસહાય જે.પરાશરે બન્ને આરોપી રમેશ ઉર્ફે રમુડિયો સલીયા અને જયશ ઉર્ફે જયલો બાવળિયાને જનમટીપની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

એક કલાક પહેલા માલગાડી પસાર થઈ હતી

કુંડલી રેલવે સ્ટેશન પાસે બે વર્ષ પૂર્વે પેસેન્જર ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં બે શખ્સને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બન્ને શખ્સોએ અગાઉથી જ ષડયંત્ર ગોઠવી રાખ્યું હોય તેમ માલગાડી પસાર થયાની એક કલાકની અંદર ટ્રેનને અવરોધરૃપ થાય અને મુસાફરોને હાનિ પહોંચાડવાના બદઈરાદે બે પાટા વચ્ચે મીટર ગેજની જૂની રેલવે લાઈનનો આશરે ચાર ફૂટ લંબાઈનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી ત્રાસો મુક્યો હતો. જો કે, બન્ને આરોપીનું ષડયંત્ર નિષ્ફળ રહેતા મોટી રેલ દુર્ઘટના ઘટતા બચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો