મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બગસરામાં 5 લોકો સાથે કાર પુલ પરથી નીચે ખાબકી, શહેરામાં માતા-પુત્રના અને સુરેન્દ્રનગરમાં 2 યુવકોના મોત, રાજ્યમાં અકસ્માતની વણઝાર

રાજ્યમાં આજે અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં અકસ્માતની ઘટનાઓ

બગસરામાં 5 લોકો સાથે કાર પુલ પરથી નીચે ખાબકી, શહેરામાં માતા-પુત્રના અને સુરેન્દ્રનગરમાં 2 યુવકોના મોત, રાજ્યમાં અકસ્માતની વણઝાર

રાજ્યમાં આજે અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં અકસ્માતની ઘટનાઓ ઘટી છે. અમરેલીના બગસરામાં 5 લોકો સાથે કાર પુલ પરથી નીચે ખાબકી હતી. સુરેન્દ્રનગરમાં લીંબડી-ચુડા પર રેલ્વે ફાટક નજીક બે યુવકોના, તો   પંચમહાલના શહેરા તાલુકાના પસનાલ ગામમાં અકસ્માતમાં માતા-પુત્રના મોત થયા  છે. 

સુરેન્દ્રનગર :  લીંબડી-ચુડા પર રેલ્વે ફાટક નજીક અકસ્માતમાં  2 યુવાનોના મોત

સુરેન્દ્રનગરના લીંબડી-ચુડા પર રેલ્વે ફાટક નજીક બે બાઈકચાલક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યાં છે. બંને લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 1 વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાં અકસ્માતની વણજાર સર્જાઈ છે, છેલ્લા 2 દિવસના સમયગાળામાં 10થી વધુ લોકોના મોત થયા છે. 

સુરેન્દ્રનગરમાં ચૂડા મામલતદાર કચેરી પાસે ટ્રેક્ટર પલટી મારતા 3 લોકો ઈજાગ્રસ્ત 

સુરેન્દ્રનગરના ચૂડા મામલતદાર કચેરી પાસે ટ્રેક્ટર પલટી મારતા અકસ્માતની ઘટના બની હતી. ટ્રેક્ટરમાં સવાર બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. ટ્રેક્ટરે પલટી મારતા આજુબાજુના સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચીને ટ્રેક્ટર નીચે દબાયેલા લોકોને રેશ્ક્યૂ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો : AMRELI : મોટા બારમણ ગામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બે વર્ષના બાળકનું મોત

દાહોદમાં ડોકી પાસે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત

દાહોદના ડોકી પાસે કાર અને બાઈકચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

વડોદરામાં પોલીસ વાન ટ્રાવેલર બસનો અકસ્માત વીડિયો વાયરલ 

વડોદરાના અકોટા રોડ પર પોલીસ વાન ટ્રાવેલર બસ સાથે ટકરાઈ હતી. ટ્રાવેલર બસને પોલીસે વાને પાછળથી ટક્કર મારી હતી. આ બનાવ મુખ્ય માર્ગના વળાંક પાસે બન્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

શહેરાના પસનાલ ગામમાં અકસ્માતમાં માતા-પુત્રના મોત

પંચમહાલ જિલ્લાના  શહેરા તાલુકાના પસનાલ ગામના માતા અને પુત્રનું  અકસ્માતમાં મોત થયું છે. માતા-પુત્ર ગોધરા-દાહોદ હાઇવે ઉપરથી પીપલોદ જઈ રહ્યા હતા તે દરમિયયાન કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં માતા-પુત્રને ગંભીર ઈજાઓ થતાં સૌપ્રથમ પીપલોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.  ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા સારવાર દરમિયાન માતા-પુત્રનું મોત નિપજ્યું છે. પીપલોદ ખાતે પુત્રીના ખબર અંતર લેવા નીકળેલા માતા-પુત્રનું એકસાથે મોત થતાં આઘાતજનક ઘટના બની છે. માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવાર સહિત વણઝારા સમાજમાં  શોકની લાગણી છવાઈ છે. સમગ્ર ઘટનાને  લઇ કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : MAHISAGAR : વિધવાએ સમાજના ડરથી પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજ્યું, માતા અને તેના પ્રેમીની ધરપકડ

બગસરામાં 5 લોકો સાથે કાર પુલ પરથી નીચે ખાબકી 

અમરેલી જિલ્લાના બગસરમાં બગસરાથી ઝાંઝરીયા જવાના પુલ ઉપરથી  5 લોકો સાથે કાર પુલ પરથી નીચે ખાબકી હતી. પુલની બન્ને સાઈડ પર ગ્રીલ ન હોવાથી આ બનાવ બન્યો હતો. કારમાં ત્રણ લોકો સવાર હતા. પુલનું લોકાર્પણ કર્યા બાદ તંત્રએ હજુ ગ્રીલ બનાવવામાં આવી નથી. કારમાં સવાર 5માંથી ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો, તો બેને સામાન્ય ઇજા થઇ હતી. 

અમરેલી : બોલેરો ગાડીમાં સવાર 20 જેટલા લોકોને ઇજા થઇ

અમરેલી જિલ્લાના  રાજુલા તાલુકામાં આવેલા હિંડોરણા પુલ પર ગંભીર અકસ્માત થયો હતો. બગદાણાથી ઉના જઈ રહેલી બોલેરો ગાડીનો અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા ગામ લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત લોકોને એમ્બ્યૂલન્સની મદદથી સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બોલેરો ગાડીમાં સવાર 20 જેટલા લોકોને ઇજા થઇ હતી. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થયો થયો હતો. 

આ સમાચાર શેર કરો