મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ તંત્ર માટે શરમજન ઘટના, ધ્રોઇના ગ્રામજનોએ જાતે જ પર્વત ખોદી બનાવ્યો રસ્તો, પાણીની હાલાકી દૂર કરી

Sabarkantha: રાજ્ય સરકાર ભલે 'વિકાસ'ના મોટા દાવાઓ કરતી હોય, પર

Sabarkantha: રાજ્ય સરકાર ભલે 'વિકાસ'ના મોટા દાવાઓ કરતી હોય, પરંતુ તેનું સત્ય ગાંધીનગરથી માત્ર 80  કિલોમીટર દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ધ્રોઇ ગામમાં જોવા મળ્યું છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ અહીંના સ્થાનિક લોકો પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેતા, તેઓએ સરકારની રાહ જોયા વિના જાતે જ 'દશરથ માંજી'ની જેમ ડુંગર તોડીને પાણી લાવવાનો માર્ગ બનાવ્યો છે.

આઝાદી પછી પહેલી ફોરવ્હીલર: બોરવેલની ગાડી

ધ્રોઇ ગામના રહેવાસીઓ દિન-પ્રતિદિન પાણીની તંગીથી પીડાઈ રહ્યા હતા. ઉનાળામાં તળાવ સૂકાઈ જતાં મહિલાઓને ચાર-ચાર કિલોમીટર દૂર માથે બેડાં લઈને વલખા મારવા પડતા હતા. આ પરિસ્થિતિ દૂર કરવા અમદાવાદના સામાજિક કાર્યકરએ દાતા દ્વારા હેન્ડપંપ માટે બોરવેલ કરાવવાનું નક્કી કર્યું.

પરંતુ સૌથી મોટી મુશ્કેલી બોરવેલની ગાડીને ગામમાં લાવવા માટે મેઇન રોડથી ત્રણથી સાડા ત્રણ કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારમાં કોઈ રસ્તો જ નહોતો.

તંત્ર કે નેતાઓની રાહ જોયા વિના, ગામના આશરે 17 થી 18 પરિવારના પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ એકઠા થઈને આ ભગીરથ કાર્ય ઉપાડ્યું.

3 દિવસની કાળી મજૂરી: પરિશ્રમની પરાકાષ્ઠા

પોતાના ઘરેથી ત્રિકમ, પાવડા, કોદાળી લઈને નીકળેલા આ પરિવારોએ સતત ૩ દિવસ સુધી કાળી મજૂરી કરી. ડુંગરાળ પથ્થરો હટાવ્યા, અને જે પથ્થરો તૂટતા નહોતા, તેને અગ્નિ પ્રગટાવી ગરમ કરીને તોડવામાં આવ્યા.

સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે, જે દીકરીઓ અલગ-અલગ ગામમાં પરણાવેલી હતી, તેમના જમાઈઓને પણ આ બાબતની જાણ થતા, તેઓ પણ પોતાની સાસરીના લોકોને પાણી મળે તે માટે આ શ્રમકાર્યમાં જોતરાઈ ગયા હતા.

આ મહેનત રંગ લાવી

3 દિવસમાં જ બોરવેલની ગાડી પસાર થઈ શકે તેવો સરસ રસ્તો ડુંગર કાપીને તૈયાર કરી દેવાયો. સ્થાનિક અગ્રણી કાળુભાઈના જણાવ્યા મુજબ, આઝાદીના 78 વર્ષ બાદ ધ્રોઇ ગામના આ વિસ્તારમાં આવનારુ પહેલી વહેલી ફોરવ્હીલર આ બોરવેલની ગાડી હતી!

તંત્ર અને નેતાઓ પર શરમજનક સવાલ

સ્થાનિક અગ્રણી કાળુભાઈએ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત અનેકઅગ્રણીઓને તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં માત્ર આશ્વાસન જ મળ્યું હતું. કાળુભાઈએ સખ્ત શબ્દોમાં કહ્યું કે, જો તેઓ સરકારના વિશ્વાસે રહ્યા હોત, તો તેમની આગામી પેઢીઓને પણ 4-4  કિલોમીટર દૂરથી પાણી લાવવું પડત.

બિહારમાં દશરથ માંજીએ પોતાની પત્નીના મૃત્યુ બાદ ડુંગર કાપીને રસ્તો બનાવ્યો હતો. જ્યારે અહીંના લોકોએ પણ સમાજના સમગ્ર પરિવાર માટે આ રસ્તો બનાવી પાણીની સુવિધા ઊભી કરી છે.

કરોડોના વિકાસના દાવા કરનાર સરકાર અને વહીવટી તંત્ર માટે આ ઘટના શરમજનક છે. જો પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા જ સરકાર ન આપી શકતી હોય, તો નેતાઓ માટે 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાની' કહેવત અહીં યથાર્થ સાબિત થાય છે.

આ સમાચાર શેર કરો