Video: FRCના પ્રશ્ને શાળા સંચાલકો સરકાર સામે મેદાને

રાજકોટમાં ખાનગી શાળા સંચાલક મંડળના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી, જેમાં ખાનગી શાળાઓના વિવિધ પ્રશ્નો અને FRCની કામગીરીને લઈને સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ખાનગી શાળા સંચાલક ગુજરાત મહામંડળના મહામંત્રી જતીન ભરાડે આક્ષેપ કર્યો હતો કે FRCના ચેરમેન તરીકે નિયુક્ત નિવૃત્ત જજ નિયમોનું પોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે અને FRC હવે ફી રેગ્યુલેશન કમિટી બની ગઈ છે. રાજ્ય સરકારના સરકારી શાળાઓમાં બહારના લોકોને પ્રવેશબંધીના પરિપત્રમાં ખાનગી શાળાઓને બાકાત રાખવા સામે પણ સંચાલકોએ સવાલ ઉઠાવ્યા હતા. સંચાલકોએ ચેતવણી આપી છે કે આગામી 9 અને 10 ડિસેમ્બરે શિક્ષણ વિભાગની કામગીરીના વિરોધમાં એક દિવસનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ખાનગી શાળાઓ સદંતર બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.








