Video: નવસારીમાં 15થી વધુ ગામોમાં વાવાઝોડાની અસર, ગોડાઉનમાં અનાજ પણ પલળ્યું
નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં ગત મોડી રાત્રે 10:00 વાગ્યા આસપાસ આવેલા તોફાની વાવાઝોડા સાથે વરસાદને
નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં ગત મોડી રાત્રે 10:00 વાગ્યા આસપાસ આવેલા તોફાની વાવાઝોડા સાથે વરસાદને કારણે મોટી તારાજી સર્જાઈ છે. ચીખલી તાલુકાના 15 થી વધુ ગામડાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જેમાં છ ગામોમાં વધુ નુકસાન સર્જાયુ છે. ઘરના પતરા ઉડવા સાથે રસ્તાઓ ઉપર વૃક્ષો તેમજ વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ઘરોના પતરા ઉડતા રાત્રે ઘરમાં સૂતેલા ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ રસ્તા ઉપર પડેલા ઝાડ અને વીજ થાંભલાઓને કારણે હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.
જોકે રાજ્ય અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી રસ્તાઓ ખુલ્લા કરતા વાહન વ્યવહાર સુચારુ થયો હતો. બીજી તરફ મોડી રાત્રે ધારાસભ્ય નરેશ પટેલે અધિકારીઓ સાથે પ્રભાવિત ગામડાઓનું મુલાકાત લઇ લોકોની સ્થિતિ જાણી હતી. સાથે જ વહેલી સવારથી તંત્રની અલગ અલગ વિભાગની ટીમો સર્વેની કામગીરીમાં જોતરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આજે નવસારી જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના આદિવાસી પંથકના વાંસદા ચીખલી તાલુકામાં સર્જાયેલી તારાજીમાં લોકો સુધી મદદ પહોંચાડવી તેમજ લોકોની મુશ્કેલીમાં ઘટાડો કરવામાં મુશ્કેલી સર્જાય એવી સંભાવના જોવાઈ રહી છે.
જોકે વહેલી સવારથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ફરી ગામડાઓની મુલાકાતો લેવાનું શરૂ કર્યું છે અને જરૂર જણાય ત્યાં અધિકારીઓને સૂચનો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સરકારી અનાજના ગોડાઉનમાં પલળેલું અનાજ લોકો સુધી ન પહોંચે એની તકેદારી રાખવા જિલ્લા પુરવઠા અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે















