Video: અમદાવાદની શાળાઓમાં હવે ભણતરની સાથે સુરક્ષાનો પણ પાઠ!

બાળકો શાળામાં સુરક્ષિત રહે, રસ્તા પર અકસ્માતોથી બચે અને મોબાઈલની એક ક્લિકથી સાયબર જોખમમાં ન મુકાય… આ હેતુ સાથે અમદાવાદમાં ‘સારથી સુરક્ષા સંકલ્પ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ‘સુરક્ષિત શાળા, સુરક્ષિત બાળપણ’ના સંદેશ સાથે શરૂ થયેલી આ પહેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નવ અલગ-અલગ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવામાં આવશે.અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, આ અભિયાનમાં ટ્રાફિક વિભાગ, ફૂડ સેફ્ટી વિભાગ અને ફાયર વિભાગને પણ જોડવામાં આવ્યા છે. નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ સેફ્ટી, રોડ સેફ્ટી, ફૂડ સેફ્ટી, સાયબર સુરક્ષા, શારીરિક સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.
આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલનો ઉપયોગ કરતી વખતે અજાણી લિંક કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ ન બને, તે માટે પણ તેમને સાવચેતીની સમજ આપવામાં આવશે. આ ઉપરાંત, ડોગ બાઈટથી બચાવ અને નશામુક્ત ભારત અંગે પણ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.આ પહેલનું એક મહત્ત્વનું પાસું એ છે કે દરેક શાળામાં ‘સંવેદના પેટી’ મૂકવાની યોજના છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ સુરક્ષાને લગતી પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે વોટ્સએપ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આગામી સમયમાં શાળાના આચાર્યો અને શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકોની સુરક્ષા સંબંધિત સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે અને યોગ્ય માર્ગદર્શન આપી શકે.
DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, બાળકોને કારકિર્દીની સાથે ટ્રાફિકના નિયમો, આરોગ્ય અને વ્યક્તિગત સુરક્ષા અંગે જાગૃત કરવા પણ એટલું જ જરૂરી છે.
હવે જોવાનું એ રહેશે કે ‘સારથી સુરક્ષા સંકલ્પ’ અભિયાન શાળાઓમાં કેટલા અસરકારક રીતે અમલમાં આવે છે અને બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં કેટલી મદદરૂપ બને છે.







