Video/ Botadમાં લિફ્ટ લેવી વૃદ્ધાને ભારે પડી, બાઈક ચાલકે બાવળની ઝાડીમાં લઈ જઈ કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટી
બોટાદ: અજાણ્યા વાહન ચાલકો પાસે લિફ્ટ માંગવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો

બોટાદ: અજાણ્યા વાહન ચાલકો પાસે લિફ્ટ માંગવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો એક જીવતો-જાગતો કિસ્સો બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક સામે આવ્યો છે. એક અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધ મહિલાને મદદ કરવાના બહાને લિફ્ટ આપી અને ત્યારબાદ નિર્જન સ્થળે લઈ જઈ લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
રાણપુરના બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા વૃદ્ધાઅમુબેન મકવાણાએ ગતરોજ બપોરના સમયે રસ્તામાં એક અજાણ્યા બાઈક ચાલક પાસે લિફ્ટ માંગી હતી. બાઈક ચાલક તેમને બેસાડીને આગળ વધ્યો હતો, પરંતુ ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ તેની દાનત બગડી હતી. તેણે રસ્તામાં બાઈક ઊભું રાખવાને બદલે સીધું જ રસ્તાની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં ઉતારી દીધું હતું.
વૃદ્ધા સાથે ક્રૂરતા અને લૂંટ
બાઈક ચાલકે બાવળની કાંટમાં વૃદ્ધાને દબાવી તેમના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ બળજબરીપૂર્વક કાઢી લીધી હતી. આ આંચકા અને ઈજાને કારણે વૃદ્ધ મહિલા સ્થળ પર જ થોડીવાર માટે બેભાન થઈ ગયા હતા. ભાનમાં આવતા જ તેમણે બુમાબુમ કરી હતી, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
સીસીટીવીમાં કેદ થયો લૂંટારો
ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળથી થોડે દૂર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા, બાઈક ચાલક વૃદ્ધાને પાછળ બેસાડીને જતો હોવાના દ્રશ્યો કેદ થયા છે. આ ફૂટેજના આધારે પોલીસે લૂંટારાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી
ઈજાગ્રસ્ત અમુબેનને સારવાર આપ્યા બાદ, તેમણે રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.













