VIDEO: ડીસા નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર, આરોગ્ય પર જોખમ અને રખડતા ઢોરના ગંભીર પ્રશ્નો સામે નાગરિકોની શાન તિરંગા રેલી સાથે વિરોધ
VIDEO:
VIDEO: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નાગરિકો ભ્રષ્ટાચાર, આરોગ્ય જોખમ અને રખડતા ઢોરના ગંભીર પ્રશ્નો સામે એકતા દાખવી રહ્યા છે. જેથી 14 ઓગસ્ટે શાન તિરંગા દ્વારા શહેરમાં રેલી નીકળી, જેમાં પાણી પ્રદૂષણ, ગેરકાયદેસર કતલખાના, રસ્તાઓની ખરાબ હાલત અને ગૌવંશની અવગણના જેવા મુદ્દાઓ પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાટ ગામમાં પાંજરાપોળ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નગરપાલિકાનો નિર્ણય વિવાદમાં છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ સ્થળે પ્લાન્ટના કારણે પાણી પ્રદૂષિત થશે અને જીનેટિક રોગો ફેલાઈ શકે છે. તેઓ કહે છે કે આ પ્રોજેક્ટ પહેલા આખોલ ગામમાં થવાનો હતો, પરંતુ રાજકીય લાભ માટે સ્થાન બદલી દેવામાં આવ્યું. રેલીમાં ગૌવંશની અવગણના મુદ્દો પણ મુખ્ય રહ્યો.
નાગરિકો કહે છે — “મંદિરમાં ગાયની પૂજા થાય છે, પણ રસ્તા પર તેનું મરણ થાય ત્યારે તંત્ર આંખે પટ્ટી બાંધે છે.” રખડતા ઢોર અને રસ્તા પરના ખાડાઓ નાગરિકોના જીવ માટે જોખમ છે. “તમારું બાળક સ્કૂટર પર હોય અને ઢોર અચાનક સામું આવે, ત્યારે જ તંત્ર યાદ આવશે?” — એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ગેરકાયદેસર પશુ મંડીઓ, કતલખાના અને માસ દુકાનો સતત ચાલી રહી છે.
બ્યુટીફિકેશન અને સ્વચ્છતા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ — જેમ કે સલામત રસ્તા, સ્વચ્છ પાણી અને ઢોર માટે કાયમી આશ્રય — હજુ સુધી પૂરાં કરવામાં આવ્યા નથી. આ તમામ મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવા માટે આજે 14 ઓગસ્ટે સવારે 11 વાગ્યે નગરપાલિકા ખાતે નાગરિકો ભેગા થયા હતા. શાન તિરંગા રેલી રામધૂનથી શરૂ થઈ અને તે બાદમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેમજ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું અને માંગ કરી કે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થાન બદલવામાં આવે, ગેરકાયદેસર કતલખાના બંધ થાય, સલામત રસ્તાઓ બને, રખડતાં ઢોર માટે કાયમી વ્યવસ્થા થાય અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થાય..
બનાસકાંઠા ડીસાના નાગરિકોનો આ આંદોલન માત્ર આરોગ્ય અને સ્વચ્છતાનો મુદ્દો નથી, પરંતુ શાસનની જવાબદારી નિભાવવા માટેનો જાગૃત સંદેશ પણ છે. હવે જોવાનું એ છે કે, તંત્ર આ માંગણીઓને કેટલું ગંભીરતાથી લે છે.
















