Video/ આંબલિયાસણમાં કડકડતી ઠંડીમાં પોલીસ ઊંઘતી રહી ને તસ્કરો હાથ મારી ગયા; કંગન સ્ટોરના તાળા તોડી ₹2.50 લાખની કરી ચોરી
Video/ Ambaliasan broke the lock of the Kangan store and stole ₹2.50 lakh | મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજારમાં તસ્કરોએ ખાખીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સ્ટેશન

મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજારમાં તસ્કરોએ ખાખીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સ્ટેશન રોડ પર આવેલી એક કંગન સ્ટોરના શટરના તાળા તોડી 4 થી 5 તસ્કરો અંદાજિત 2 થી 2.50 લાખની કિંમતના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ અને પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે.
ગાડી લઈને આવ્યા અને 3 વાગ્યે ખેલ પાડ્યો
ઘટનાની વિગતો મુજબ, આંબલિયાસણ સ્ટેશનના મેઈન બજારમાં સાર્વજનિક વિદ્યાલયની સામે 'જલારામ કંગન સ્ટોર' આવેલ છે. દુકાન માલિક લખનભાઈ ગુરુવારે રાત્રે દુકાન બંધ કરીને ગયા હતા. શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં એક ગાડીમાં સવાર થઈને આવેલા 4 થી 5 અજાણ્યા તસ્કરોએ દુકાનના મેઈન શટરના બંને તાળાં તોડ્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી કિંમતી ઘડિયાળ, બેટરી બાઈક અને અન્ય ચીજવસ્તુઓ મળી અંદાજે રૂ. 2 થી 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થયા
આ ચોરીની ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, અલ્પેશ ચોકથી અંબિકા ચોક સુધી હોમગાર્ડના જવાનોના પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે અને પોલીસ કડક પેટ્રોલિંગના દાવા કરે છે. તેમ છતાં, બજારની મધ્યમાં ગાડી લઈને આવેલા તસ્કરો આરામથી ચોરી કરીને નીકળી ગયા, જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે.
સીસીટીવીમાં કેદ થઈ તસ્કરી
દુકાન માલિક લખન બારોટે જણાવ્યું કે, સવારે 7 વાગ્યે ચોરીની જાણ થતા તેઓ દુકાને પહોંચ્યા હતા. તપાસ કરતા તમામ કિંમતી સામાન ગાયબ હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓ અવારનવાર બને છે, પરંતુ પોલીસ ચોપડે નોંધાતી નથી, જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.
લાઘણજ પોલીસ મથકે તપાસ તેજ
આ સમગ્ર મામલે હાલ લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો અને તેમની ગાડીની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.















