અમદાવાદ ACBના સપાટામાં હોમગાર્ડ જવાનો: નોકરી ચાલુ રાખવા માટે માસિક હપ્તો માંગતા બે લાંચિયા રંગેહાથ ઝડપાયયા

શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી હોમગાર્ડ જવાનો દ્વારા નોકરી ચાલુ રાખવા અને મનપસંદ ડ્યુટી ફાળવવાના બદલામાં માસિક હપ્તા પેટે લાંચ માંગવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે ડિવિઝન કમાન્ડર સહિતના મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે.
શું છે સમગ્ર માગત?
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીઓ હોમગાર્ડ જવાનોને ટ્રાફિક ડ્યુટીમાંથી હટાવીને રાત્રિ ડ્યુટી ફાળવવાની ધમકી આપતા હતા. આ ડ્યુટી ચાલુ રાખવા અને નોકરી સલામત રાખવા માટે માસિક હપ્તા પેટે પિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે એસીબીને બાતમી મળતા બાપુનગર વિસ્તારમાં એક સફળ ટ્રેપ (છટકું) ગોઠવવામાં આવી હતી.
રૂ. 2,000 ની લાંચ લેતા બે ઝડપાયા
એસીબીની ટ્રેપ દરમિયાન તુષાર અને હર્ષમય નામના બે આરોપીઓને ફરિયાદી પાસેથી રૂ. 2,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર રેકેટમાં ડિવિઝન કમાન્ડર અને અન્ય સાથી કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે.
મુખ્ય આરોપીઓ ફરાર, તપાસનો ધમધમાટ શરૂ
આ કેસમાં ડિવિઝન કમાન્ડર વિજયભાઈ જાદવ અને પંકજભાઈ પરમાર સહિતના અન્ય મુખ્ય આરોપીઓ એસીબીની પકડથી દૂર છે અને હાલ ફરાર થઈ ગયા છે. એસીબી દ્વારા આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા કર્મચારીઓની સંડોવણી ચકાસવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.















