મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હ

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  રાજ્યના ભરૂચ, પંચમહાલ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.

ભરૂચના જંબુસર તાલુકામાં વરસાદ

ભરૂચના જંબુસર તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો...વહેલી સવારે જંબુસર નગર સહિત સમગ્ર તાલુકામાં ભારે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળતો હતો, જેના પછી આજના વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી છે.

પંચમહાલ જિલ્લામાં સવારથી વરસાદ

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો...લાભ પાંચમના પવિત્ર દિવસે પાવાગઢ દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટા આવતા કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા.પાવાગઢના ડુંગર વિસ્તારોમાં મધ્યમ કક્ષાના વરસાદ પડતા યાત્રાધામનું દૃશ્ય ધુમ્મસથી છવાઈ ગયું હતું.

મહુવામાં વરસાદથી પાકને નુકસાનની ભીતી 

મહુવા સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ગત મોડી રાત્રે મહુવા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો.શહેરમાં અંદાજિત દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે હાલના તબક્કે પાક પર પાણી પડવાથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

સૂત્રાપાડામાં 4 ઈંચ વરસાદથી સ્થિતિ વણસી

ગીર-સોમનાથ જિલ્લામાં અવિરત કમોસમી વરસાદ વરસ્યો...વેરાવળ અને સોમનાથ શહેરમાં સતત વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા...વરસાદથી ગરમીમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ ચિંતા વધારનાર સાબિત થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં અડધા ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડા તાલુકામાં 4 ઇંચ, વેરાવળમાં અઢી ઇંચ, ઉનામાં 1 ઇંચ તથા તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આરોગ્યવિદ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આવી ભેજવાળી અને અચાનક ઠંડીથી તાવ, ખાંસી, શરદી અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પહેલી નવેમ્બર સુધી મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આગામી દિવસોની જિલ્લાવાર આગાહી

  • 27 ઓક્ટોબર (યલો એલર્ટ): અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.
  • 28 ઓક્ટોબર (યલો એલર્ટ): પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.

આ સમાચાર શેર કરો