મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોમનાથ મંદિર આસપાસ માંસાહારના વેચાણ પર પ્રતિબંધ યથાવત્, ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી

સોમનાથ મંદિર આસપાસ માંસાહારના વેચાણ પર પ્રતિબંધ યથાવત્, ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પ્રથમ જ્યોતિર્લિંગ પવિત્ર સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. માંસાહારનું વેચાણ કરવાની મંજૂરી માગતા અરજદારોએ તેને પોતાનો બંધારણીય અધિકાર ગણાવ્યો હતો. જોકે, રાજ્ય સરકારે આ પ્રતિબંધને શ્રદ્ધાળુઓની લાગણી અને આસ્થા સાથે જોડાયેલો જનહિતનો નિર્ણય ગણાવી કોર્ટમાં તેનો બચાવ કર્યો હતો.

સરકારની કોર્ટમાં રજૂઆત

રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સોમનાથને અન્ય સામાન્ય શહેરો કે ટાઉનની જેમ ન ગણવું જોઈએ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ હોવાથી તેનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશેષ છે. સરકારના જણાવ્યા અનુસાર, ભાલકા તીર્થથી સોમનાથ મંદિર તરફ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આવા સંજોગોમાં તેમની ધાર્મિક લાગણી અને આસ્થાને માન આપીને જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય ધાર્મિક સ્થળોનું ઉદાહરણ અપાયું

સરકારે કોર્ટમાં અયોધ્યા અને વૈષ્ણોદેવી જેવા ધાર્મિક સ્થળોનું ઉદાહરણ પણ આપ્યું હતું. સરકારની દલીલ હતી કે જે રીતે આ યાત્રાધામોની આસપાસ માંસાહારના વેચાણ પર નિયંત્રણો છે, તેવી જ વ્યવસ્થા સોમનાથમાં કરવામાં આવી છે. બીજી તરફ, અરજદારોનું કહેવું હતું કે માંસાહારનું વેચાણ કરવું તેમનો બંધારણીય અધિકાર છે.

આ મામલે રાજ્ય સરકારે 10 ઓગસ્ટ, 2026ના રોજ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા હેઠળ સોમનાથ મંદિર અને ભાલકા તીર્થ સહિતના નિર્ધારિત વિસ્તારોમાં માંસાહારી ખાદ્યપદાર્થો બનાવવા, સંગ્રહ કરવા અને વેચાણ કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણયને પડકારતી અરજીમાં વેપારના અધિકાર અને ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવાના મુદ્દે કાનૂની દલીલો થઈ હતી. 

આ સમાચાર શેર કરો