મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગીડાસણના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો, ટ્રેનમાં થઈ હતી ઘાતકી હત્યા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામના જવાન જીજ્ઞેશ ચૌધરી શહીદ થતાં સમગ્ર

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામના જવાન જીજ્ઞેશ ચૌધરી શહીદ થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શહીદ જવાનનો પાર્થિવ દેહ આજે માદરે વતન ગીડાસણ ગામે પહોંચ્યો હતો, જ્યાં હજારો લોકોએ તેમને અંતિમ વિદાય આપી હતી.

માદરે વતન પહોંચ્યો શહીદનો દેહ

જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ તેમના વતન ગીડાસણ ગામે લાવવામાં આવ્યો હતો. આ પહેલાં, છાપીથી ગીડાસણ ગામ સુધી તેમની ભવ્ય અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શહીદ પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લોકોએ ભારત માતા કી જય અને શહીદ અમર રહોના નારા લગાવીને શહીદને વીર વિદાય આપી હતી.

ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં હત્યા

શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની હત્યાની ઘટના અત્યંત કરૂણ અને ચોંકાવનારી છે. શહીદ જવાનની હત્યા રાજસ્થાનના બિકાનેર નજીક ટ્રેનમાં થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનના કોચ એટેન્ડન્ટ સાથે ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં કોચ એટેન્ડન્ટે જવાન જીજ્ઞેશ ચૌધરી પર ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. 

મામૂલી કારણસર ફરજ પરના એક જવાનની હત્યા થતાં સૈનિકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતિમ સંસ્કાર બાદ આ ઘટના અંગે વધુ કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

આ સમાચાર શેર કરો