મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણમાં ઠાકોર સમાજના આગેવાને જ નવા બંધારણના ઉડાડ્યા લીરેલીરા, લગ્ન પ્રસંગમાં કરાયું રાસ ગરબાનું આયોજન

બનાસકાંઠા બાદ હવે પાટણ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા થતા હોવાનો

તસવીર: GSTV

બનાસકાંઠા બાદ હવે પાટણ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા થતા હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ મુજબ DJ અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે. સમાજના નિયમો તોડાતા હવે આગેવાનોની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમાજમાં ચર્ચા શરૂ થઈ છે. 

બંધારણ ભંગ બદલ ત્રણ પરિવારોને સમાજ બહાર કરાયા

બનાસકાંઠાના ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના ભંગને લઈને સમાજે આકરું વલણ અપનાવ્યું છે. ઠાકોર સમાજે બંધારણનું ભંગ કરવા બદલ ત્રણ પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે.

સમાજે નક્કી કરેલા બંધારણ મુજબ, લગ્નપ્રસંગે DJ પ્રથા પર પ્રતિબંધ હોવા છતાં DJના ભારે ભરખમ ઘોંઘાટ સાથે વરઘોડો નીકળ્યો હતો. જે નિયમ ભંગ મામલે જાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી, જેમાં નિયમનો ભંગ કરનાર જાબડીયા ગામના આગેવાને પાઘડી ઉતારી સમાજની માફી માંગી હતી અને સમાજ જે નિર્ણય લેશે તેને સ્વીકારીશું કરવાની વાત કહી હતી.

DJમાં જોડાયેલા ગાયકોને અનફોલો કરવા અપીલ

બેઠકમાં જેના ઘરે લગ્ન હતા, તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર એમ આ ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે. ઠાકોર સમાજના આગેવાનોએ આ DJમાં જોડાયેલા ગાયકોને સોશિયલ મીડિયા અનફોલો કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો