ડીસામાં ફૂડ વિભાગનો વધુ એક દરોડો, 1278 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ઘીના જથ્થાને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. શહેરના લાઠીબજાર વિસ્તારમાં એક રહેણાક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં વિભાગે બે દરોડા પાડતાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીથી શંકાસ્પદ ઘીનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
1278 લીટર શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ઘીના જથ્થા સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. શહેરના લાઠીબજાર વિસ્તારમાં રહેણાક મકાનમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં ફૂડ વિભાગે બે અલગ-અલગ દરોડા પાડ્યા છે, જેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગૌરસ અને સંયમ બ્રાન્ડનું શંકાસ્પદ ઘી પણ ઝડપાયું છે. વિભાગે 80થી વધુ પેટી સહિત કુલ 1278 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 7 લાખ 92 હજાર રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સતત કાર્યવાહીને પગલે શંકાસ્પદ ઘીના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જોકે, ઘીની ગુણવત્તા અને તેની ભેળસેળ અંગેના અંતિમ તારણ માટે વિભાગની તપાસ અને લેબોરેટરી રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. ડીસામાં શંકાસ્પદ ઘીના જથ્થા સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીથી ખાદ્યપદાર્થોના વેપારમાં ચકચાર મચી છે. હવે તપાસમાં ઘીની ગુણવત્તા અંગે શું ખુલાસા થાય છે અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.






