મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ઝડપાઈ, અમદાવાદની ઘી કાંટા રોડની બે દુકાનોએ દરોડા

નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ઝડપાઈ, અમદાવાદની ઘી કાંટા રોડની બે દુકાનોએ દરોડા

અમદાવાદના ધી કાંટા રોડ પર આવેલી બે જાણીતી કોસ્મેટિક દુકાનોમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને જાણીતી મેટ્રિક્સ કંપનીની કોપીરાઇટનો ભંગ કરતી 6.90 લાખ રૂપિયાની કિંમતની 1,221 નંગ નકલી પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માય બ્યુટી સેન્ટ્રલ અને લક્ષ્મી બ્યુટી શોપના સંચાલકો યશ પ્રભુલાલ ઠક્કર તથા રીષભ અગ્રવાલ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે SOG અને કંપનીના પ્રતિનિધિઓએ પાડી રેડ

​મળતી માહિતી અનુસાર, નવી દિલ્હી ખાતે નિઝામુદ્દીન પૂર્વમાં આવેલી જાણીતી મેટ્રિક્સ કંપનીના અધિકૃત પ્રતિનિધિ નૃપેન્દ્ર શૈલેન્દ્રકુમાર કશ્યપને બાતમી મળી હતી કે અમદાવાદના ધી કાંટા રોડ પર નકલી કોસ્મેટિક્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પારેખ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વિસીસના પ્રોપરાઇટર દર્શક પારેખ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ.એ. વ્યાસ સહિતના સ્ટાફે પંચોને સાથે રાખી સંયુક્ત રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ધી કાંટા રોડ, પંચભાઇની પોળ પાસે આવેલ 'માય બ્યુટી સેન્ટર'માંથી યશ પ્રભુલાલ ઠક્કરપાસેથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને માસ્ક મળી કુલ 4.44 લાખ રૂપિયાની કિંમતનો 775 નંગ બનાવટી જથ્થો મળ્યો હતો. જ્યારે પાંચુ મીયાના ડહેલા પાસે આવેલ 'લક્ષ્મી બ્યુટી શોપ'માંથી રીષભ અગ્રવાલ પાસેથી 2.46 લાખ રૂપિયાની કિંમતનો 446 નંગ ડુપ્લીકેટ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ પ્રોડક્ટ્સમાંથી સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

મુંબઈના ક્રોફર્ડ માર્કેટ અને નારણપુરા કનેક્શનનો પર્દાફાશ

પોલીસ પૂછપરછમાં આરોપી યશ ઠક્કરે જણાવ્યું હતું કે તે ક્રોફર્ડ માર્કેટ મુંબઈ ખાતે આવેલ નવ્યા એન્ટરપ્રાઇઝિસના માલિક દિનેશ પાસેથી કાલબાદેવીના યશ ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો મંગાવતો હતો. જ્યારે રિષભ અગ્રવાલે આ જથ્થો ક્રોફર્ડ માર્કેટના આર.કે. બ્યુટીના માલિક વિજય પાસેથી રૂબરૂ મુંબઈ જઈ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બંને વેપારીઓ અમદાવાદના નારણપુરા ખાતે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના સેલ્સમેન લક્ષ્મણ પાસેથી નકલી માલની ડિલિવરી મેળવી સ્થાનિક ગ્રાહકોને પધરાવતા હતા.

આ સમાચાર શેર કરો