મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના કાંકરિયામાં અઢી વર્ષથી બોટિંગ બંધ, બોટચાલકો રોજ કરી રહ્યા છે બોટની પૂજા

અમદાવાદના કાંકરિયામાં અઢી વર્ષથી બોટિંગ બંધ, બોટચાલકો રોજ કરી રહ્યા છે બોટની પૂજા

અમદાવાદનું હૃદય ગણાતા કાંકરિયા લેક ફ્રન્ટના કિનારે એક ભાઈ રોજ સવારે પાણી કે સૂર્યની નહીં, પરંતુ મહિનાઓથી પાર્ક કરી રાખેલી પોતાની બોટને અગરબત્તી કરીને પૂજા કરે છે! આ દ્રશ્ય કોઈ ધાર્મિક શ્રદ્ધાનું નથી, પરંતુ પોતાની છીનવાઈ ગયેલી રોજગારી પાછી મળવાની એક આશાનું છે. વડોદરાના ચર્ચિત 'હરણી તળાવ બોટકાંડ' બાદ રાજ્યભરમાં બોટિંગ બંધ કરાવી દેવાયું હતું, જેને આજે અઢી વર્ષથી વધુ સમય વિતી જવા છતાં અમદાવાદના કાંકરિયા અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ પુનઃ શરૂ થઈ શક્યું નથી.

કરોડોના ખર્ચ સામે તંત્રની 'નગરોળ' નીતિ!

કાંકરિયા લેક ફ્રન્ટના મેન્ટેનન્સ અને બ્યુટિફિકેશન પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે, પરંતુ નાગરિકો માટે મનોરંજનનું મુખ્ય આકર્ષણ ગણાતી બોટિંગ અને રાઈડ્સ બાળકોની કિલકારીઓ અને સહેલાણીઓના શોરબકોર વિના સુની પડી છે. કેટલાક સ્થાનિકો અને પ્રવાસીઓ ઉગ્ર રોષ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જો ભૂતકાળમાં વિમાન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા પછી પણ એરલાઇન્સ પરિવહન ચાલુ રહેતું હોય, તો હરણીકાંડ બાદ તમામ નિયમોનું પાલન કરવા છતાં બોટિંગ સેવાઓ કેમ બંધ રાખવામાં આવી છે?"

બોટચાલકોએ તમામ શરતો પૂરી કરી, છતાં મંજૂરી અટવાઈ

નિયમો મુજબ બોટચાલકોએ તમામ જરૂરી સુધારા-વધારા પૂર્ણ કરી દીધા છે. તંત્રની નવી માર્ગદર્શિકા અનુસાર, સમગ્ર લેક ફ્રન્ટ વિસ્તારમાં કડક સર્વેલન્સ માટે CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. રિયલ-ટાઇમ મોનિટરિંગ માટે સ્પેશિયલ કંટ્રોલ સેન્ટર પણ સજ્જ કરી દેવાયું છે. બોટની ચકાસણી અને સેફ્ટી ઇક્વિપમેન્ટ્સની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

AMCનું શું કહેવું છે? ક્યારે ચાલુ થશે બોટિંગ?

આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર, કાંકરિયામાં લાયસન્સિંગ અને પરમિશન મેળવવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે. કમિશનર સ્તરેથી ફાઇનલ મંજૂરી મળતાં જ બોટિંગ શરૂ કરી દેવાશે. તંત્ર દ્વારા આવતીકાલે (16 ઓક્ટોબર) આ જ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સત્તાવાર પરમિશન આપવા અંગે આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો