અમદાવાદમાં 'આમ જનમત પાર્ટી'નું ₹250 કરોડનું કથિત કૌભાંડ, 7 સામે ફરિયાદ

અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’ના નામે કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીનું મોટું પ્રકરણ સામે આવ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં આરોપ છે કે પાર્ટીના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે મળીને ખોટા દસ્તાવેજો અને ખર્ચાઓના આધારે કરોડો રૂપિયાની ટેક્સ કપાતનો લાભ અપાવ્યો હતો. તપાસ મુજબ, આ કથિત કૌભાંડથી સરકારી તિજોરીને આશરે ₹250 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ મામલે સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કાગળ પર રાજકીય પાર્ટી બનાવી કથિત કૌભાંડ
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ‘આમ જનમત પાર્ટી’ના હોદ્દેદારો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓએ કથિત રીતે સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચ્યું હતું. આરોપ છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ તથા આકાશ સોની આ પ્રકરણમાં સંડોવાયેલા હતા.
ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, પાર્ટી દ્વારા ઓરિજિનલ બિલ, વાઉચર અને યોગ્ય હિસાબો વિના ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને સરકારી પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
ડોનેશનથી લઈને રોકડ પરત કરવા સુધીની કથિત પદ્ધતિ
તપાસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ ચેનલ દ્વારા પાર્ટીના ખાતામાં ડોનેશન મેળવવામાં આવતું હતું. તેના આધારે દાતાઓ 100 ટકા ટેક્સ કપાતનો લાભ મેળવતા હોવાનો દાવો છે.
ત્યારબાદ આ નાણાં ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેરાત જેવા ખર્ચ દર્શાવીને પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનો આરોપ છે. આંગડિયા પેઢીઓ મારફતે રોકડ ઉપાડીને કથિત કમિશન કાપ્યા બાદ બાકીની રકમ મૂળ દાતાઓને પરત આપવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
બે વર્ષમાં ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો
ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન પાર્ટીનાં બેંક ખાતાંમાં કુલ ₹843,97,43,793થી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. વિભાગના આરોપ મુજબ, આ વ્યવહારો અને કથિત ખોટા દસ્તાવેજોના આધારે સરકારી તિજોરીને આશરે ₹250 કરોડનું નુકસાન થયું હોઈ શકે છે.
સાત લોકો સામે ફરિયાદ, તપાસ આગળ વધશે
આ મામલે કેન્દ્રીય વર્તુળના આસિસ્ટન્ટ કમિશનર ઑફ ઇન્કમ ટેક્સ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પાર્ટીના હોદ્દેદારો અને અન્ય સંડોવાયેલા લોકો સામે સરકાર સાથે છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા છે. હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધશે. જોકે, આરોપોની અંતિમ સત્યતા તપાસ અને કાનૂની પ્રક્રિયા બાદ નક્કી થશે.








