મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળકોને ભણાવશે કોણ? શિક્ષકોને હવે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની જવાબદારી, નોડલ ઓફિસર બનાવી દેવાયા!

બાળકોને ભણાવશે કોણ? શિક્ષકોને હવે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની જવાબદારી, નોડલ ઓફિસર બનાવી દેવાયા!
તસવીર: AI

ગુજરાત સરકાર એક તરફ શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકો પર વધુ એક બિન-શૈક્ષણિક જવાબદારી સોંપવામાં આવી છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલન માટે શિક્ષકોને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી શિક્ષણ જગતમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોનું કહેવું છે કે આવી કામગીરીના વધતા ભારણ વચ્ચે વર્ગખંડમાં ભણાવવા માટે પૂરતો સમય આપવો મુશ્કેલ બની શકે છે.

શિક્ષકોને અન્નપૂર્ણા યોજનાના નોડલ ઓફિસર બનાવાયા

પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યો પર પહેલેથી જ અનેક પ્રકારની વહીવટી જવાબદારીઓ છે. ડેટા એન્ટ્રી, પોર્ટલ અપડેટ, સરકારી યોજનાઓનું રિપોર્ટિંગ, સર્વેક્ષણ અને બિલ સબમિશન જેવી કામગીરીમાં તેમનો સમય ખર્ચાય છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી, મતદારયાદી સુધારણા અને જનગણના જેવી જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. હવે આ યાદીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલનની કામગીરીનો પણ ઉમેરો થયો છે.

આ યોજના હેઠળ શ્રમિકોને ભોજન યોગ્ય રીતે મળે છે કે નહીં અને કેન્દ્રોની કામગીરીનું સંચાલન થાય છે કે નહીં, તેની દેખરેખ રાખવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. પરિણામે શિક્ષકોએ શિક્ષણની સાથે યોજનાના સંચાલન અને સંબંધિત વહીવટી કામગીરી માટે પણ સમય ફાળવવો પડશે.

બિન-શૈક્ષણિક કામગીરીથી શિક્ષણ પર અસર થવાની ચિંતા

શિક્ષકો પર વધતી બિન-શૈક્ષણિક જવાબદારીઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. શિક્ષકો ઓનલાઈન કામગીરી, સરકારી પોર્ટલ, દસ્તાવેજો અને વિવિધ યોજનાઓના રિપોર્ટિંગમાં વ્યસ્ત રહેશે તો વર્ગખંડમાં ભણાવવા માટેનો સમય ઘટી શકે છે, એવો સવાલ શિક્ષણ જગતમાં ઊઠી રહ્યો છે.

એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો ચર્ચામાં છે, તો બીજી તરફ ઉપલબ્ધ શિક્ષકોને વધારાની વહીવટી કામગીરી સોંપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા જાળવવી અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવું પડકારરૂપ બની શકે છે.

હવે સવાલ એ છે કે શિક્ષકોને વધારાની કામગીરીમાંથી રાહત આપવા માટે સરકાર શું પગલાં લેશે અને વર્ગખંડમાં શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં.

આ સમાચાર શેર કરો