અમરેલીમાં શિક્ષણ જગત શર્મસાર: ગુરુ બન્યો હેવાન, સરકારી શાળામાં જ વિદ્યાર્થિનીઓ સાથે આચર્યું એવું કૃત્ય કે...

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકની એક સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતા એક નરાધમ શિક્ષકે પોતાની જ શાળાની વિદ્યાર્થિનીઓ પર શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફરી વળી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
શાળામાં જ શિક્ષકે આચર્યું દુષ્કર્મ!
મળતી માહિતી મુજબ, જાફરાબાદ પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતો શિક્ષક રામશંકર પંડ્યા શાળાની 3 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં (છેડતી) કર્યા હતા, જ્યારે 1 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીઓએ આ સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી, જેથી પરિવારજનોએ ત્વરિત પોલીસનો સંપર્ક કર્યો હતો.
વિદ્યાર્થિનીઓના પરિવારો દ્વારા પોલીસ મથકે પહોંચી રજૂઆત કરાતાં પોલીસે મોડી રાત્રે જ શિક્ષક રામશંકર પંડ્યા સામે પોક્સો (POCSO) અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.
DySP ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ
જાફરાબાદ ડિવિઝનના DySP નયના ગોરડિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિક્ષક રામશંકર પંડ્યા દ્વારા 3 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં અને 1 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે.








