મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નકલી ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ, 1,694 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત

સુરતમાં નકલી ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ, 1,694 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત
તસવીર: gstv

નવરાત્રિ અને દિવાળીના તહેવારો પહેલાં સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ થયો છે. ઉત્રાણ પોલીસે અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર-18માં બાતમીના આધારે દરોડો પાડી 1,694 કિલો શંકાસ્પદ ઘી સહિત કુલ ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી તહેવારો દરમિયાન ભેળસેળવાળા ઘીના વેચાણની આશંકા સામે આવી છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી

ઉત્રાણ પોલીસની ટીમે ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી 1,694 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ ઉપરાંત વનસ્પતિ ડાલડા ઘી, સોયાબીન તેલ અને ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં મશીનો સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ આરોપીઓની ધરપકડ

બનાવટી ઘી બનાવી તેનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સન્ની કલ્પેશભાઈ મોદી, કિશનભાઈ મનોજભાઈ મોદી અને કલ્પેશભાઈ સુંદરલાલ મોદીનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે.

તહેવારો પહેલાં પોલીસની કાર્યવાહીથી ભેળસેળના કારોબાર પર સકંજો

નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન ઘી સહિતની ખાદ્યવસ્તુઓની માગ વધતી હોય છે. ત્યારે ઉત્રાણ પોલીસની આ કાર્યવાહીથી શંકાસ્પદ ઘીના જથ્થાને બજારમાં પહોંચતો અટકાવાયો હોવાની માહિતી સામે આવી છે. જોકે, જપ્ત કરાયેલા ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ હોવા અંગેના અંતિમ તારણ માટે ફૂડ સેફ્ટી વિભાગની તપાસ અને લેબોરેટરી રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો