મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વસ્ત્રાલમાં સામાન્ય ઠપકામાં ખેલાયો લોહિયાળ ખેલ; મામાએ સગીર ભાણેજને પતાવી દીધો, પોલીસે નોંધી સામસામે ફરિયાદ

વસ્ત્રાલમાં સામાન્ય ઠપકામાં ખેલાયો લોહિયાળ ખેલ; મામાએ સગીર ભાણેજને પતાવી દીધો, પોલીસે નોંધી સામસામે ફરિયાદ
તસવીર: Google

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ટેકરા પાસે સોમવારે (12મી ઓક્ટોબર) રાત્રે મેદાનમાં પેડલ રિક્ષામાં બેસી મજાક-મસ્તી કરતા સગીર ભાણાને મામાએ ઠપકો આપતાં મામલો લોહિયાળ બન્યો હતો. ઉશ્કેરાયેલા સગીરે મામા, મામી તથા અન્ય એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત મામાએ સગીર પાસેથી ચપ્પુ છીનવી તેના પર વળતો હુમલો કરી તેને પતાવી દીધો હતો. આ બનાવમાં સગીરનું મોત નીપજતાં રામોલ પોલીસે બંને પક્ષે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત મામાએ ચપ્પુ ઝૂંટવી ભાણાને રહેંસી નાખ્યો

વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે ઇન્દિરાનગર ટેકરા ખાતે રહેતા દિનેશ પ્રહલાદ દેવીપૂજક અને તેમના પત્ની પૂજાબહેન 12મી ઓક્ટોબરની રાત્રે મેદાનમાં બેઠા હતા. આ દરમિયાન તેમનો સગીર ભાણો વિશાલ તેના મિત્રો વિજય અને વિશ્વાસ સાથે પેડલ રિક્ષામાં બેસી જોરજોરથી મજાક-મસ્તી કરતો હતો. દિનેશે તેને મજાક-મસ્તી ન કરવા ઠપકો આપતાં સગીર ઉશ્કેરાઈ ગયો હતો અને ટેકરા પરથી ચપ્પુ લાવી દિનેશના પેટમાં ડાબી બાજુએ ઘા ઝીંકી દીધો હતો. વચ્ચે પડેલા મામી પૂજાબેનને કમરના ભાગે તથા સાથે રહેતા સુનિલ ઉર્ફે પોસ્કો સુરેશ દેવીપૂજકને છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી.

​દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિનેશે સગીરના હાથમાંથી ચપ્પુ ઝૂંટવી લીધું હતું અને તેના બગલ નીચે તથા કમરના ભાગે ઘા મારતાં સગીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તમામને સારવાર અર્થે 108 મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે સગીરને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકની બહેન પાયલબહેનની ફરિયાદના આધારે દિનેશ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. જ્યારે પૂજાબહેનની ફરિયાદના આધારે મૃતક સગીર સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર સગીર 3 મહિનાથી મામાથી અલગ રહેતો હતો

સગીર નાનપણથી તેના મામા દિનેશ સાથે જ રહેતો હતો. પિતાના અવસાન બાદ માતાએ અન્યત્ર લગ્ન કરી લીધાં હોવાથી મામાએ તેનો ઉછેર કર્યો હતો. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી તે મામાથી અલગ થઈને રખડતું જીવન જીવતો હતો. સોમવારે રાત્રે મામાએ માત્ર જાહેર જગ્યાએ મસ્તી કરવાની ના પાડતાં સામાન્ય બાબતમાં પરિવારમાં ખૂની ખેલ ખેલાઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો