Ahmedabad / કંપનીમાં 10% ભાગીદારીની લાલચ આપી રેસ્ટોરાં સંચાલક સાથે કરોડોની ઠગાઈ, 4 સામે ગુનો દાખલ
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને નારણપુરામાં રેસ્ટોરાં ચલાવતા 51 વર્ષીય વેપારી સાથે Styrun Health Care નામની પેઢીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવાના બહાને ચાર શખસોએ કુલ 1,18,00,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને નારણપુરામાં રેસ્ટોરાં ચલાવતા 51 વર્ષીય વેપારી સાથે Styrun Health Care નામની પેઢીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવાના બહાને ચાર શખસોએ કુલ 1,18,00,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નોટરાઇઝ્ડ કરાર કર્યા બાદ કોરા ચેક કઢાવ્યા
આરોપીઓએ ફર્મમાં 10 ટકા ભાગીદારી અને 2 ટકા મેનેજમેન્ટ નફાની લાલચ આપીને કાસમઅલી અને તેમના પરિવાર પાસેથી 98,00,000 રૂપિયા તેમજ તેમના મિત્ર પાસેથી વધુ 20,00,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, પરંતુ બાદમાં ઓડિટના બહાને કોરા ચેક મેળવી રૂપિયા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા અને લાંબા સમય બાદ પણ કોઈ નફો કે મૂળ રકમ પરત ન કરતા છેતરપિંડીનો આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે જુહાપુરામાં રહેતા અને નારણપુરામાં રેસ્ટોરાં ચલાવતા 51 વર્ષીય કાસમઅલી ખરોડિયાએ પોલીસ ફરિયાદ કરી છે. ઓક્ટોબર 2021માં મહંમદ, આબીદઅલી, અકબરઅલી અને મંજુરઅલી ચુડીયાએ જુહાપુરાના રહેવાસી કાસમઅલીનો સંપર્ક કરી તેમની ફર્મ Styrun Health Careને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવા માટે રોકાણની માંગણી કરી હતી. તેઓએ ફર્મમાં 10 ટકા ભાગીદારી અને 2 ટકા મેનેજમેન્ટ નફાની ઓફર આપી હતી. તેમના પર વિશ્વાસ મૂકીને કાસમઅલી અને તેમના પરિવારે 98,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ માટે કાસમઅલીના બે દીકરાઓ, કામયાબઅલી અને મોહસીનઅલીના નામ પર 5-5 ટકા ભાગીદારીના નોટરાઇઝ્ડ કરાર પણ કરવામાં આવ્યા હતા.
મિત્રના નામે પણ 20 લાખનું રોકાણ કરાવી વિશ્વાસઘાત
મે 2022માં આરોપીઓએ ઓડિટ રિપોર્ટ અને લેઝર બુકમાં એડજસ્ટમેન્ટ કરવાનું બહાનું કાઢીને કાસમઅલીના દીકરાઓ પાસેથી કોરા ચેક લીધા હતા અને તે રૂપિયા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ વર્ષ 2024માં કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવા માટે વધુ નાણાંની જરૂરિયાત જણાવીને આરોપીઓએ કાસમઅલીના મિત્ર પિનલભાઈ શાહ પાસેથી પણ વધુ 20,00,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આટલો સમય વીતવા છતાં ન તો કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવામાં આવી કે ન તો કોઈ નફો આપવામાં આવ્યો. વારંવાર માંગણી કરવા છતાં ફર્મનો ઓડિટ રિપોર્ટ બતાવવામાં આવ્યો નહીં અને રોકાણ કરેલા 98,00,000 રૂપિયા તથા મિત્રના 20,00,000 રૂપિયા પરત ન આપીને ચારેય આરોપીઓએ કાસમઅલી સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થઈ છે.






