મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ ગ્રામ્ય SOGને મળી મોટી સફળતા; 1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 શખ્સો પકડાયા

રાજકોટ ગ્રામ્ય SOGને મળી મોટી સફળતા; 1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 શખ્સો પકડાયા
તસવીર: gstv

રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાને મોટી સફળતા મળી છે. પોલીસે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના રૂ. 1.01 કરોડની કિંમતના જથ્થા સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચાર વાહનો સહિત એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે."

છ શખ્સો પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને બાતમી મળી હતી. જેના આધારે ટીમે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલ પાસે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એમ્બરગ્રીસના જથ્થા સાથે છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ મુજબ, આ શખ્સો એમ્બરગ્રીસના ગ્રાહકો શોધવાથી લઈને માલની ડિલિવરી કરવા સુધીની ભૂમિકા ભજવતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે મેહુલ રાઠોડ, ભાનુભાઈ ચાવડા, વિજયસિંહ ઝાલા, પ્રશાંત જાટ, ધર્મેન્દ્રસિંહ કંચવા અને સાવન જાટની ધરપકડ કરી છે.

એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી એમ્બરગ્રીસના જથ્થા ઉપરાંત ચાર વાહનો સહિત કુલ એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એમ્બરગ્રીસના વ્યવહાર સાથે સંકળાયેલા અન્ય લોકો અને સમગ્ર નેટવર્ક અંગે તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો