ગુજરાતમાં 5 વર્ષમાં HIV ના દર્દીઓમાં 15% નો વધારો; સજાતીય સંબંધો અને ઇન્ફેક્ટેડ સિરીંજથી સંક્રમણ વધ્યું

1 ડિસેમ્બર મંગળવારે સમગ્ર વિશ્વમાં અસાધ્ય એવા એઈડ્ઝ પ્રતિ જાગૃતિ માટે એઈડ્ઝ દિન ઉજવાશે, જેને લઈ રાજકોટમાં 1500 છાત્રો દ્વારા રેડરિબન બનાવાશે. રાજકોટમાં એઈડ્ઝ પ્રિવેન્શન ક્લબ અનુસાર એઈડ્ઝ નાબૂદીનું લક્ષ્યાંક હજુ દૂર છે, દર વર્ષે 12 લાખ નવા સંક્રમણ થાય છે. શહેરમાં જનજાગૃતિ માટે તા. 30ના સોમવારે વિરાણી સ્કૂલમાં 1500 છાત્રો દ્વારા રેડરિબન બનાવાશે, તા. 1 ડિસેમ્બરે સવારે લોકવિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્સ ખાતે માનવ સાંકળ રચાશે, મનપા દ્વારા 500 ફુગ્ગાની રેડરિબન હવામાં છોડાશે, તા. 2ના જી.ટી.શેઠ સ્કૂલ, કેકેવી પાસે અને પંચશીલ સ્કૂલમાં કાર્યક્રમ તથા તા. 3ના તાલીમ ભવન ખાતે શિક્ષકોને માટે કાર્યક્રમ યોજાશે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં એચઆઈવી કેસ વધ્યા
એચ.આઈ.વી. (હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાયરસ) કે જે આગળ જઈને ભયાનક રોગ એઈડ્ઝ (એક્વાયર્ડ ઈમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ)માં ફેરવાય છે અને એ.આર.ટી. (એન્ટી રિટ્રોવાયરલ ટ્રીટમેન્ટ) દર્દીમાં આ સંકટને વર્ષો સુધી પાછળ ધકેલી શકે છે. કેન્દ્રની માહિતી મુજબ ગુજરાતમાં ઈ.સ. 2024-25ની સ્થિતિએ ગુજરાતમાં પાંચ વર્ષમાં એચઆઈવી ચેપ સાથે જીવતા લોકો (દર્દી)ની સંખ્યામાં 15 ટકાનો વધારો થયો છે જ્યારે સમગ્ર દેશમાં 18.73 ટકાનો વધારો થયો છે.
વૈશ્વિક ઘટાડા વચ્ચે ભારતની સ્થિતિ ચિંતાજનક
વિશ્વમાં હાલ 410 લાખ લોકો એચઆઈવી સાથે જીવે છે જેમાં 13 લાખ તો 15 વર્ષથી નાની વયના બાળકો છે. આ દર્દીઓમાં અડધાથી વધારે પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં છે. ઈ.સ. 2010ની સાપેક્ષે નવા સંક્રમણોમાં ઈ.સ. 2025 માં 43 ટકાનો ઘટાડો થયો છે પરંતુ, ગુજરાત સહિત ભારતની વાસ્તવિકતા આજે પણ વરવી છે.
ગુજરાત અને દેશમાં ચેપના તાજા આંકડા
ગુજરાતમાં ગત પાંચ વર્ષમાં હાલ એચઆઈવી સાથે જીવતા લોકોની સંખ્યા 90541 થી વધીને 1,04,423 થઈ હતી અને સમગ્ર દેશમાં આ સંખ્યા 18.10 લાખથી વધીને 21.49 લાખે પહોંચી હતી. નવા સંક્રમણનું પ્રમાણ ગુજરાતમાં ઈ.સ. 2020માં 1893, કોરોનાકાળ વખતે ઈ.સ. 2021માં વધીને 2507 અને ઈ.સ. 2023માં 2671 નોંધાયું છે. ઈ.સ. 2024માં આંશિક ઘટાડા સાથે 2362 નવા ચેપ હતા અને એ વર્ષે દેશમાં 64,465 નવા ચેપ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અગાઉ જારી કરેલી વિગત મુજબ ગુજરાતમાં ઈ.સ. 2022માં સર્વાધિક 1121 ના મોત બાદ ઈ.સ. 2024 માં 927 મોત સાથે ઘટાડાનો ટ્રેન્ડ છે.
શું કારણો હોઈ શકે ચેપ વધવાના ?
ચિંતાજનક તારણો એ છે કે ઈ.સ. 2020-21થી 2024-25ના આંકડા મુજબ દેશમાં એચઆઈવી ચેપ સજાતીય સંબંધોથી ફેલાવાનું પ્રમાણ 2.5 ટકાથી વધી 5.4 ટકા અર્થાત્ બમણું થયું છે. જ્યારે ઈન્ફેક્ટેડ સીરીંજ, નીડલ (ઈન્જેક્શન)થી 6.4 ટકાનું પ્રમાણ 11.5 ટકાએ પહોંચી ગયું છે. જ્યારે માતાથી બાળકને ચેપ પ્રસરે તે સ્થિર છે પરંતુ, લોહી ચઢાવવા વગેરેથી પ્રમાણ 0.7 ટકાથી 1.2 ટકા થયું છે.
45 વર્ષ પછી એઈડ્ઝને સારવારથી પાછળ ઠેલી શકાય, મટાડી નથી શકાતો
એઈડ્ઝ પ્રથમવાર ઈ.સ. 1981માં જોવા મળ્યો એટલે કે તેને એઈડ્ઝ તરીકે શોધાયો હતો, ભારતમાં પ્રથમ કેસ 1986માં થયો અને રાજકોટ સહિત ગુજરાતમાં સાડાત્રણ દાયકા પહેલા આ ચેપ પ્રસરવાનું શરૂ થયું હતું. આટલા વર્ષો જૂનો રોગ છતાં તેની કોઈ ચોક્કસ સારવાર નથી અને તે અસાધ્યની વ્યાખ્યામાં છે. પરંતુ, તેની યોગ્ય સારવારથી દર્દીમાં એચઆઈવીને એઈડ્ઝમાં રૂપાંતરની પ્રક્રિયા વર્ષો સુધી પાછી ઠેલી શકાય છે. જો કે સારવાર સામે પણ વિશ્વમાં બે પડકારો છે (1) તેની સારવાર માટે નાણાકીય સહાયમાં 18 ટકાનો મોટો ઘટાડો થયો છે અને (2) અન્ય રોગની જેમ તેમાં પણ ડ્રગ રેઝિસ્ટન્ટ બનવાની ચિંતા છે.














