ગુજરાતમાં પ્રથમવાર HYROXનું આયોજન: 46 દેશોના 6 હજારથી વધુ એથ્લેટ્સ ગાંધીનગરમાં ઉતરશે, રમતગમત પ્રવાસનને મળશે વેગ

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવાની ક્ષમતા વિકસાવવાના પ્રયાસોના ભાગરૂપે 26થી 28 નવેમ્બર દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધા HYROXનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ સ્પર્ધાનું ગુરુવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્ય સરકારના અંદાજ મુજબ, આ સ્પર્ધામાં આશરે 6,000 એથ્લેટ્સ ભાગ લેશે. આ સ્પર્ધામાં ગુજરાત બહારનાં અન્ય રાજ્યોના લગભગ 3,000 ભારતીય ખેલાડીઓ ઉપરાંત 46 દેશોમાંથી 250થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધા નિહાળવા માટે અંદાજે 6,000 સ્થાનિક અને 400 આંતરરાષ્ટ્રીય દર્શકો પણ આવવાની અપેક્ષા છે. સરકારના રિલીઝમાં કુલ દર્શકોનો અંદાજ આશરે 8,000 દર્શાવવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ ખેલાડીઓ સાથે અજમાવી ફિટનેસ પ્રવૃત્તિઓ
ઉદ્ઘાટન સમારોહ બાદ હર્ષ સંઘવી પોતે પણ સ્પર્ધાના મેદાનમાં પહોંચ્યા હતા. તેમણે ટ્રેક પર દોડ લગાવી અને ફંક્શનલ વર્કઆઉટનાં વિવિધ સ્ટેશનો પર કસરતો અજમાવી હતી. આ દરમિયાન તેમણે ખેલાડીઓ અને દર્શકો સાથે વાતચીત કરીને આયોજનની વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી હતી. સંઘવીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાની તક પૂરી પાડે છે. આવી સ્પર્ધાઓના કારણે દેશ-વિદેશના ખેલાડીઓ અને તેમના પરિવારજનો રાજ્યમાં આવે છે, જેનાથી હોટેલ, પરિવહન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ વધવાની શક્યતા રહે છે.
ખેલાડીઓ ગુજરાતનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ અને પ્રતિનિધિઓ ધોરોઈ, પોલો ફોરેસ્ટ, સોમનાથ અને કચ્છ સહિતનાં પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. આ મુલાકાતો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, કુદરતી સૌંદર્ય અને મહેમાનગતિનો પરિચય દેશ-વિદેશના મુલાકાતીઓને કરાવવાનો પ્રયાસ છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આટલા મોટા સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રાજ્યને ભવિષ્યમાં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવા માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. તેનાથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પરંપરાગત હેરિટેજ અને ધાર્મિક સ્થળો ઉપરાંત સ્પોર્ટ્સ ટુરિઝમ (Sports Tourism)ના નવા વિકલ્પો પણ મળશે.
શું છે HYROX સ્પર્ધા?
HYROX એક ઇન્ડોર ફિટનેસ રેસ છે, જેમાં દોડવાની સાથે વિવિધ ફંક્શનલ સ્ટ્રેન્થ વર્કઆઉટનો સમાવેશ થાય છે. તેની ખાસિયત એ છે કે દુનિયાના અલગ-અલગ શહેરોમાં યોજાતી સ્પર્ધાઓમાં એકસરખું માળખું અને નિયમો રાખવામાં આવે છે. આથી વિવિધ સ્થળોના ખેલાડીઓ સમાન માપદંડો હેઠળ પોતાની ક્ષમતા ચકાસી શકે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ આંતરરાષ્ટ્રીય ફિટનેસ રેસિંગ સિરીઝને રાજ્યમાં લાવવામાં આવી છે. સરકારનું માનવું છે કે આવી સ્પર્ધાઓથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર સ્થાન મેળવવામાં મદદ મળશે અને પ્રવાસન સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.













