Video: આતંકીએ YOUTUBE થી મશીનગન ચલાવવાનું શીખ્યું હતું, વડોદરાથી પકડાયેલા આતંકીનો ઘટસ્ફોટ!

યુટ્યુબ પર પાઠ ભણવો સામાન્ય છે, પરંતુ જ્યારે પાઠ હથિયાર ચલાવવાનો અને લક્ષ્ય દેશની સુરક્ષાનો હોય, ત્યારે વાત ગંભીર બને છે. ગુજરાત એટીએસએ વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદના એક શંકાસ્પદ આતંકીને પકડી પાડ્યો છે. તપાસ મુજબ, તે મુંબઈના 26/11 જેવા હુમલાની તૈયારીમાં હતો.
ગુજરાત આતંકવાદ વિરોધી દળે આસામના 22 વર્ષીય શાહરુલ ઇસ્લામ કબીરુદ્દીનને વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટેલ મિલનમાંથી ધરપકડ કરી હતી. એટીએસના ડીઆઈજી સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, આરોપી આસામથી ટ્રેન દ્વારા ભોપાલ પહોંચ્યો હતો અને ત્યાંથી બસમાં વડોદરા આવ્યો હતો. તેણે પોતાનું અસલી આધારકાર્ડ બતાવી હોટેલમાં રોકાણ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે તે આગામી બે-ત્રણ દિવસમાં વડોદરા એરફોર્સ કેમ્પ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. આરોપીએ પોતાના હેન્ડલર મારફતે એકે-47 જેવું ઓટોમેટિક હથિયાર મેળવ્યું હતું. એટીએસએ તેની પાસેથી હથિયાર, 23 જીવંત કારતૂસ, હજારો રૂપિયાની રોકડ અને નવો મોબાઇલ ફોન કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, શાહરુલ છેલ્લા એક વર્ષથી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હતો. દાહોદમાં હેન્ડલરે તેને 50 હજાર રૂપિયા આપ્યા હતા, જે લઈને તે ફરી વડોદરા આવ્યો હતો. તેના મોબાઇલમાંથી વડોદરા એરફોર્સ કેમ્પના મુખ્ય પ્રવેશદ્વારનો ફોટો મળ્યો હતો. ઉપરાંત, કટ્ટરપંથી સાહિત્ય અને તસવીરો પણ મળી હતી. તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે હેન્ડલરના સંપર્કમાં રહેતો હતો અને યુટ્યુબ દ્વારા હથિયાર ચલાવવાની તાલીમ લેતો હતો. તેની પ્રાથમિક શિક્ષા મદરેસામાં થઈ હતી અને તે વધુ ભણેલો નહોતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, તે કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતો.
આરોપીનો ઇરાદો મુંબઈમાં થયેલા 26/11ના આતંકી હુમલા જેવી ઘટનાને અંજામ આપવાનો હતો અને તેના નિશાન પર વાયુસેના કેમ્પ હતો. હુમલા બાદ તે પાકિસ્તાન ભાગવાની તૈયારીમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, તેના કાવતરાને અમલમાં મૂકતાં પહેલાં જ એટીએસએ સતર્કતા દાખવી તેને ઝડપી લીધો હતો. તેની સામે યુએપીએની કલમ 18, 20 અને 23 તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ દેશવિરોધી પ્રવૃત્તિઓનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં એટીએસ હથિયાર અને નાણાંના સ્ત્રોતની તપાસ કરી રહી છે. ગુજરાતમાં તેને મદદ કરનાર સંભવિત નેટવર્કની પણ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી એક ગંભીર કાવતરું સમયસર અટકાવવામાં આવ્યું હોવાનું એટીએસનું કહેવું છે.











